દાહોદ શહેરમાંથી પસાર થતાં ઇન્દોર અમદાવાદ હાઈવે ઉપર એક ફોરવીલર ગાડીના ચાલકે એક મોપેડ પર સવાર દંપતીને અડફેટમાં લઈ ટક્કર મારી નાસી જતા દંપતિને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે કરુણ મોત.
દાહોદ શહેરના સોનીવાડ ખાતે રહેતા છોટુભાઈ અગ્રવાલ અને તેમની પત્ની બંને જણા દર રવિવારે અમદાવાદ ઇન્દોર હાઇવે ઉપર આવેલ લખેશ્વરી માતાના મંદિરે દર્શન માટે જતા હતા ત્યારે આજે તા.૨૫/૦૬/૨૦૨૩ ને રવિવારના દિવસે પણ રાબેતા મુજબ લખેશ્વરી માતાના મંદિરે ટુ વ્હીલર ઉપર સવાર થઈ દર્શન માટે ગયા હતા, અને મંદિરે દર્શન કરી પરત પોતાના ઘરે આવી રહ્યા હતા તે સમયે ઇન્દોર અમદાવાદ હાઈવે જુની ચેકપોસ્ટ પરથી મધ્યપ્રદેશ થી દાહોદ આવી રહેલ એક ફોરવીલર ગાડીના ચાલકે ગાડી પૂર ઝડપે હોઈ સ્ટીયરિંગ ઉપરથી કાબૂ ગુમાવી દેતા દંપતીની મોપેડ ને અડફેટમાં લેતા દંપતિ ટુ-વ્હીલર ગાડી પરથી ફંગોળાઈ જમીન પર પટકાયા હતા જેના પગલે તેઓને માથાના ભાગે, હાથે પગે તેમજ શરીરના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ મૃતક દંપતીના પરિવારજનોને થતા તેઓ પણ તાબડતોબ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઘટના સ્થળ પર પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી ઘટનાનની જાણ સ્થાનિક પોલીસ ને થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ઉપરોક્ત મૃતક દંપતીના મૃતદેહનો કબજો લઈ નજીકના દવાખાને પીએમ માટે રવાના કર્યા હતા જ્યારે બીજી બાજુ અકસ્માત કરી કારનો ચાલક ઘટના સ્થળ ઉપર થી પોતાના કબજાની કર મૂકી નાસી ગયો હતો સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો નોંધી આરોપીની તપાસ હાથ ધરી છે.