ઓરી અને રૂબેલા સામે રક્ષણ પૂરું પાડવા માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન હેઠળ મીઝલ્સ-રુબેલા રસીકરણ અભિયાન રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આખા રાજયમાં ૧૬ જુલાઈથી મીઝલ્સ-રુબેલા રસીકરણ અભિયાન શરૂ થયેલ છે આ અભિયાન હેઠળ ૦૯ માસ થી ૧૫ વર્ષ સુધીના તમામ બાળકોને મીઝલ્સ-રુબેલાની રસી મુકવામાં આવી રહી છે.
ગરબાડા તાલુકામાં આજ તા.૨૩/૦૭/૨૦૧૮ સોમવારના રોજથી ગરબાડા તાલુકા પ્રાથમિક શાળામાં ગરબાડાના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા તથા ગરબાડા સરપંચ મહેન્દ્રસિંહ રાઠોડના હસ્તે દીપ પ્રાગટ્ય કરી તેમની ઉપસ્થિતિ માં તથા ગરબાડા તાલુકા હેલ્થ ઓફિસર ડો.ડાભીના સીધા નિરીક્ષણ હેઠળ મીઝલ્સ-રુબેલા રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અને ગરબાડા, ગાંગરડી, અભલોડ તથા નાંદવાની પ્રાથમિક શાળાઓમાં મીઝલ્સ-રુબેલા રસીકરણ કરવામાં આવી રહ્યું છે.
બાળકોને મીઝલ્સ-રુબેલાની રસી આપતા પહેલા ગરબાડા તાલુકા હેલ્થ ઓફિસર ડો.ડાભીએ શાળાના વિદ્યાર્થીઓના વાલીઓ સાથે ચર્ચા કરી મીઝલ્સ-રુબેલાની રસી વિષે વાલીઓને સમજ આપી માહિતગાર કર્યા હતા.
આધારભુત મળેલ માહિતી મુજબ આજ રોજ રસીકરણના પ્રથમ દિવસે ગરબાડા, ગાંગરડી, અભલોડ તથા નાંદવાની પ્રાથમિક શાળાઓમાં કુલ ૫૨૮૬ બાળકોને મીઝલ્સ-રુબેલાની રસી મૂકવામાં આવી હતી અને રસીકરણના પ્રથમ દિવસે ગરબાડામાં – ૩, ગાંગરડીમાં – ૨, અભલોડમાં – ૨, નાંદવામાં – ૧ એમ.બી.બી.એસ. ડોક્ટરને રસીકરણ દરમ્યાન રાઉન્ડ-અપ રાખવામાં આવ્યા હતાં. આ સમાચાર લખાય છે ત્યાં સુધીમાં કોઈ પણ બાળકને આ રસીની કોઈ આડઅસર થઈ હોય તેવું જાણવા મળેલ નથી.