Friday, March 14, 2025
Google search engine
HomeGarbada - ગરબાડાદાહોદના ગરબાડા તાલુકામાં આવેલ ગાંગરડી ખાતે પરંપરાગત ચુલનો મેળો યોજાયો

દાહોદના ગરબાડા તાલુકામાં આવેલ ગાંગરડી ખાતે પરંપરાગત ચુલનો મેળો યોજાયો

  • ધગધગતા કોલસા પર ઉઘાડા પગે ચાલીને આદિવાસી લોકો માનતા માને છે.
  • આદિવાસી લોકોની માન્યતા અને આસ્થાનું પ્રતિબિંબ એટલે “ચુલનો મેળો”
  • હોળીના એંધાણ થતાં જ ગુજરાતના ખૂણે – ખૂણેથી કામ અર્થે ગયેલા દાહોદવાસીઓ પોતાના બોરી – બિસ્તરા બાંધીને ઘરભણી પ્રયાણ કરી દે છે.

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં આવેલ ગાંગરડી ખાતે હોળી પર્વ નિમિત્તે હોળીના બીજા દિવસે વર્ષોથી પરંપરાગત મેળો યોજવામાં આવે છે. આ વર્ષે પણ વર્ષોથી ચાલી આવેલ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખતો મેળો યોજાયો હતો, જેને “ચુલનો મેળો” કહેવામાં આવે છે. કહેવાય છે કે, આદિવાસી સંસ્કૃતિમાં હોળીનું મહત્વ ઘણું છે, જેથી કરીને હોળીના તહેવારના એંધાણ થતાં જ ગુજરાતના ખૂણે – ખૂણેથી કામ અર્થે ગયેલા દાહોદવાસીઓ પોતાના બોરી – બિસ્તરા બાંધીને ઘરભણી પ્રયાણ કરી દેતા હોય છે. “ચુલનો મેળો” દાહોદ જિલ્લાના વિવિધ જગ્યાઓએ ઉજવાતો હોય છે. મેળામાં આવેલ એક બુઝુર્ગ વડીલના જણાવ્યાનુસાર આ મેળાની શરૂઆત સવારના ૬ વાગ્યાથી થઇ જતી હોય છે. જેમાં આગલા દિવસે દહન કરેલી હોળી માતાને શાંત કરવા માટે ગામની વહુઆરુઓ માથે બેડલું પાણી લઇને એને ઠારવવા માટે વહેલી સવારથી જ નીકળી પડતી હોય છે. હોળીની ચારે બાજુથી પિત્તલના લોટા વડે પાણી અર્પણ કરીને હોળીમાતાને શાંત કરવા પ્રાર્થના કરતી હોય છે.

આ મેળામાં ગામેગામથી લોકોની સવારથી જ અવર – જવર ચાલુ થઇ જાય છે. એ સાથે બીજી તરફ વર્ષોથી વડદાદાઓએ પસંદ કરેલ એ જ જગ્યા પર લોકો પોતાના બાળકોને સાથે રાખીને પિત્તળના લોટા અને નારિયેળ વડે પ્રદક્ષિણા કરતા જઈને પાણી અર્પણ કરે છે. કહેવાય છે કે, અહીં પાણી અર્પણ કરી બાધા માનવાથી બાળકોને થયેલા રોગ મટી જાય છે. ત્યાં ઉપસ્થિત પુજારીના આશિષ લઈ અગરબત્તી અને નારિયેળ ચઢાવીને ત્યાં જ બાધા માનતા હોય છે. હા, સવારમાં પાણી તર્પણ કરવાની આ વિધિને “ટાઢી ચુલ” કહે છે.

આ વિધિ બાદ ધીમે ધીમે મેળામાં ઢોલના નાદે નાચતા – ગાતાં લોકોના મેળાવડાની શરૂઆત થઇ જતી હોય છે. જ્યાં નજ઼ર પહોંચે ત્યાં સુધી રંગબેરંગી ને પરંપરાગત પહેરવેશમાં આવેલ લોકો, રંગબેરંગી દુકાનો, રમકડાંની સાથોસાથ આઈસ્ક્રીમ, બરફ ગોલા, શેરડીના સાંઠા અને કાળા આને લાલ રંગના માટલાં જાણે આપણને હવે ઉનાળો આવી રહ્યો છે એનો સંકેત આપતાં હોય છે. પોતાના માતા-પિતા અને દાદા-દાદી જોડે આંગળી પકડીને ચાલતાં છતાં ઉત્સાહથી નાનકડાં ભૂલકાંઓનો તો જાણે મેળાવડો જામ્યો હોય તેવું લાગે છે.

ચુલનો મેળો ચાલુ થયાના મધ્યસ્થ સમયે એટલે કે લગભગ ૧૧ થી ૧૨ વાગ્યાના સુમારે “ઉની ચુલ” ની વિધિ શરૂ થાય છે. આ વિધિ દરમ્યાન લોકો પોતાની બાધા માટે ધગધગતા કોલસા પર ખુલ્લા પગે ચાલે છે. માનવામાં આવે છે કે, ગરમ ચુલ પર ચાલનાર કોઈને પણ પગમાં કોઈપણ પ્રકારની ઇજા થતી નથી. ગામના વડીલ પટેલ કહેવાતા નીલમભાઈએ તેઓના પરિવાર દ્વારા અગણ્ય વર્ષોથી આ ચુલના મેળાની વિધિ વિધિવત કરતા આવ્યા છે એમ જણાવતાં કહ્યું હતું કે, દિવાળી કરતાં હોળીનો તહેવાર આદિવાસી લોકો માટે મોટી શ્રધ્ધા ધરાવે છે અને આ માન્યતા કહો કે શ્રધ્ધા કાયમ માટે આદિવાસીઓના દિલમાં રહેવાની છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments