- તણાવમુકત રહેવા માટે સમયબધ્ધતા જરૂરી છે.
- કર્મયોગીએ પોતાના વ્યકિતત્વના વિકાસ માટે સતત વાંચન કરવું જરૂરી છે. : કલેકટર વિજય ખરાડી
દાહોદ જિલ્લા મહેસૂલી પરિવારની એક દિવસીય ચિંતન શિબિર કલેકટર વિજય ખરાડીના અધ્યક્ષસ્થાને દાહોદ તાલુકાના ચોસાલા સદગુરૂ વોટર એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન કેમ્પસના સભાખંડ ખાતે યોજાઇ હતી.
આ પ્રસંગે કલેકટર વિજય ખરાડીએ દિપપ્રાગટય સાથે ચિંતન શિબિરને ખુલ્લી મુકતાં જણાવ્યું હતું કે કર્મયોગીએ તણાવ મુકત રહેવા માટે સમયબધ્ધતાનું પાલન કરવું જરૂરી છે. તો જ કર્મયોગી કાર્યક્ષેત્ર, પરિવાર અને સમાજ સાથે કદમ મિલાવી શકાય. સાથે કર્મયોગીએ પોતાના વ્યકિતત્વના વિકાસ માટે સરકારી પરિપત્રોની સાથે સારું વાંચન કરવાની ટેવ પાડવી જોઇએ. આ ચિંતન શિબિરનો મૂળભૂત ઉદેશ સુચારુ વહીવટ દ્વારા લોકોપયોગી કામોને કઇ રીતે સરળ બનાવી શકાય. કામની સાથે કર્મયોગીને યોગ-પ્રાણાયમ, રમતગમત, વાંચન, પરિવાર સાથે પ્રવાસ વગેરે પણ શોખ હોવા જોઇએ. તો જ તે કાર્યક્ષેત્રના સ્થળે સારી રીતે કામ કરી શકે
આ પ્રસંગે દાહોદ બ્રહમાકુમારી કપિલાદીદીએ જણાવ્યુ હતુ કે કર્મયોગીએ તણાવમુકત રહેવા માટે આધ્યાત્મિકતા તરફ પણ મન કેન્દ્રીત કરવું જરૂરી છે. તેમને આત્મા અને પરમાત્મા વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપ્યુ હતું. આ પ્રસંગે મહેસૂલી પરિવાર ના સભ્યોએ યોગ-પ્રાણાયામ, રમત-ગમત વગેરેમાં ભાગ લઇ હળવાશ અનુભવી હતી.
આ ચિંતન શિબિરમાં જનસેવા સેન્ટર અધ્યતન અને સુચારૂ બનાવવા અંગે સમયસર પેન્શન પેપર્સ બનાવવાનું આયોજન, ૯૦ દિવસમાં નોંધ નિકાલ માટેના સુચનો, પુરવઠાની કામગીરી અસરકારક બનાવવાના સુચનો, મધ્યાહન ભોજન યોજનાના સરળ અમલીકરણ માટેની યોજના, સમાજ સુરક્ષા યોજનાની કામગીરી સુધારણા બાબત, મહેકમ શાખાની કામગીરીની પ્રક્રિયા સરળ અને સચોટ બનાવવા, હિસાબી શાખાની પ્રક્રિયા સરળ અને સચોટ બનાવવા, ઓનલાઇન બિનખેતીના કેસોની કાર્યવાહીનો ઝડપથી નિકાલ કરવા, કચેરી કામગીરી સુધારણા કચેરી રેકર્ડ વર્ગીકરણ અને તેની જાળવણી અંગેના સુચનો, તુમાર મુકત મહેસૂલ વિભાગ બનાવવા વગેરે ઉપર ચર્ચા-સમીક્ષા સાથે ગૃપ ડિશ્કશન દ્વારા કરવામાં આવ્યું હતું.
આ ચિંતન શિબિરના ઉદ્ઘાટન સમારોહમાં સદગુરૂ ફાઉન્ડેશનના સંચાલક જગાવત, શ્રીમતી શર્મિષ્ઠાબેન જગાવત, દાહોદ પ્રાંત અધિકારી તેજશ પરમાર, દેવગઢબારીયા પ્રાંત અધિકારી એ.યુ.સુથાર, નાયબ જિલ્લા ચુંટણી અધિકારી પ્રજાપતિ, તાલુકા મામલતદારો, નાયબ મામલતદારો, કર્મચારીઓ, તલાટીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.