THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
- દાહોદના પંડિત દીનદયાલ ઓડિટોરિયમ ખાતે જિલ્લા કક્ષાના કલામહાકુંભ – ૨૦૧૯-૨૦ ના ભવ્ય પ્રારંભ.
- પ્રથમ દિવસની નૃત્ય સ્પર્ધામાં કલાકારો દ્વારા મનમોહક પ્રસ્તુતિ કરવામાં આવી.
- કલામહાકુંભ અંતર્ગત આ વર્ષે ૧૨૩૫૯ સ્પધર્કોનું રજીસ્ટ્રેશન.
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય નગર દાહોદ નગરના પંડિત દીનદયાલ ઓડિટોરિયમ ખાતેથી જિલ્લા કક્ષાના કલામહાકુંભ – ૨૦૧૯-૨૦ નો આજે તા.૨૧/૦૧/૨૦૨૦ ને મંગળવારના રોજથી ત્રણ દિવસ માટે પ્રારંભ થયો છે. ઇન્ચાર્જ શિક્ષણાધિકારી સુરેશ મેડાએ દીપ પ્રાગટય કરીને જિલ્લા કક્ષાના કલામહાકુંભનો શુંભારભ કરાવ્યો હતો. પ્રથમ દિવસની નૃત્ય સ્પર્ધામાં કલાકારોએ મનમોહક પ્રસ્તુતિ કરી હતી.
કલા મહાકુંભ-૨૦૧૯-૨૦ ના પ્રથમ દિવસે યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ તાલુકાઓમાંથી વિજેતા થઇને આવેલા સ્પધર્કો વચ્ચે જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઇ હતી. જેમાં ૫૦૦ જેટલા કલાકારોએ ભાગ લીધો હતો. આજે યોજાયેલી વિવિધ નૃત્ય સ્પર્ધાઓમાં ભરતનાટયમ, રાસ ગરબા, લોકનૃત્યમાં કલાકારોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં જિલ્લાના ઇન્ચાર્જ શિક્ષણાધિકારી સુરેશ મેડાએ જણાવ્યું હતું કે, રાજય સરકાર કલા મહાકુંભ દ્વારા કલાકારોની પ્રતિભાને વિકસાવવાનો અદભૂત અવસર આપે છે. દરેક વ્યક્તિમાં કોઇ પ્રતિભા છુપાયેલી હોય છે. આ પ્રતિભાને ઓખવવાની અને તેને વિકસાવાની જરૂર હોય છે. આ માટે સતત પ્રયાસ અને અથક મહેનતથી જ પ્રતિભાને વિકસાવી શકાય છે.
રાજય સરકાર પ્રતિભાશાળી કલાકારોની કલાને બહાર લાવવા માટે યોજાતા કલામહાકુંભમાં દાહોદ જિલ્લામાં આ વર્ષે ૧૨૩૫૯ સ્પધર્કોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. કલા મહાકુંભના પ્રથમ દિવસે વિવિધ નૃત્ય સ્પર્ધાઓ, બીજા દિવસે અભિનય, સાહિત્ય, સંગીત વાદનને લગતી સ્પર્ધાઓ અને ત્રીજા દિવસે ગાયન, સાહિત્ય અને ચીત્રકલા કે સર્જનાત્મક કારીગરીને લગતી વિવિધ સ્પર્ધાઓ યોજાશે. જિલ્લા રમત ગમત અધિકારી શ્રી વિરલ ચૌધરીએ મહાનુભાવોનું સ્વાગત પ્રવચન કર્યું હતું અને કલા મહાકુંભની કેટલીક વિશેષતાઓ વિશે જણાવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકો અને કલાકારોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. જેમાં ગરબાડા તાલુકાનાાં લોક નૃત્યએ જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવેલ છે. વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.