દાહોદ જિલ્લા ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા બેંક ઓફ બરોડા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા અને દેના બેંકોમાં આધાર કાર્ડ લિંક કરાવવા માટે લોકોને ખાવા પડતા ધરમના ધક્કાથી આમ જનતા પરેશાન થઈ ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા ગામમાં અત્યારે દરેક જગ્યાએ પોતાના બેંક ખાતા જોડે પોતાનું આધાર કાર્ડ લિંક કરવાનું હોવાથી આમ જનતા બેંકમાં જઈ ને ત્યાં પોતાના ખાતામાં આધાર લિંક કરવાનું કહેતા બેંકો દ્વારા ધરમના ધકકા ખવડાવવામાં આવી રહ્યા છે. ફતેપુરાની બેંક ઓફ બરોડા (મેઈન બ્રાન્ચ), દેના બેંક અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ની અંદર ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા ખેડૂતોને આધાર કાર્ડ લિન્કના મોટા પ્રશ્નો નડે છે. જેમાં બેંક દ્વારા જે તે વ્યક્તિને ચારથી પાંચ દિવસ સુધી ધરમધક્કા ખવ પડે છે. અને આજે આવો કાલે આવો કેમ કહી આધાર કાર્ડની પ્રોસેસ પૂરી કરતા નથી અને ગરીબોને ધક્કા ખવડાવે છે.
બેંકોમાં પહેલેથી જ મોટી મોટી લાઈનો હોય છે અને તેમાં એક દિવસના ધક્કામાં સવારથી સાંજ પડી જાય છે અને તેમાં આધાર કાર્ડ લિંક કરવા માટે બે થી ત્રણ વખત બેંકો દ્વારા ધક્કા ખવડાવવામાં આવે છે. તેમાં આ ગરીબ ખેડૂતોને આવવા જવાનું ભાડું રોજના સો રૂપિયા લેખે બે થી ત્રણ દિવસના ૨૦૦ થી ૩૦૦ રૂપિયા ખર્ચ થઈ જાય છે. આવી બનતી ગેરરીતિ માટે કોણ જવાબદાર છે. લોક મુખે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે બેંક મેનેજર અને આધાર લિંક કરવા માટે બેંકની બહાર બેસતા બી.સી. લોકોની સાંઠગાંઠ હોય તેમ જણાય છે. માટે બેંકના ઉપરી અધિકારીઓ આ બાબતે પોતાનું ધ્યાન દોરી જે તે બેંક કર્મચારી જો દોષી હોય તો તેના ઉપર સખત કાર્યવાહી કરી પગલાં ભરવા જોઇએ, અને ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોની અને નગરના વેપારીઓની જરૂરિયાતને ધ્યાને રાખી પગલાં ભરવા લોક માંગ ઉઠવા પામી છે.
બીજી બાજુ ગ્રામ્ય વિસ્તારોના ખેડૂત વર્ગ મજૂરી કામ કરવા માટે બહારગામ જતા હોય છે અને તેઓને ખરીદી માટે રૂપિયાની જરૂર હોય તો પણ આધાર કાર્ડ લિન્કના હોવાના કારણે ત્યાં પૈસા માટે ફાફા મારવા પડે છે અને વધુ પૈસા આપી ઉધારે માલ સામાન લેવો પડતો હોય છે વધુમાં બેંક મેનેજરો કસ્ટમર સાથે તોછડાઈ ભર્યું વર્તન કરતા હોય છે તેવી માહિતી પણ મળી રહેલ છે.
વધુમાં એમ કે અહીં બેંક ઓફ બરોડાનું ATM આવેલું હતું અને તે ATM નો કોન્ટ્રાક્ટ પૂરો થઈ જતા ATM બંધ થઇ ગયેલ છે તો સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા અને બેંક ઓફ બરોડા આ બંને બેંકોમાં ATM ચાલુ કરવા માટે ગ્રામજનોની લાગણી અને માંગણી છે. વધુ માહિતી મુજબ બેંકોની અંદર થતી ભીડના કારણે વેપારી વર્ગને અને નોકરિયાતોને લેવડદેવડમાં તકલીફ ઉભી થઇ રહેલ છે જેથી વહેલી તકે ATM ચાલુ થાય તેવી પણ લોક માંગ ઉઠવા પામી છે.