THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના ગરબાડા ચોકડી પાસે આવેલા બાળગૃહમાં આજ બુધવારે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા વૈશ્વિક બાળ દિનની ઉજવણી કરવામાં આવી હતી. બાળગૃહ ના ૯ બાળકોમાં મીઠાઇ, શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ અવસરે યોજાયેલા એક સમારોહમાં પ્રાસંગિક પ્રવચન આપતા કલેક્ટર વિજય ખરાડીએ કહ્યું કે, વૈશ્વિક સ્તરે બાળકો ના અધિકારો, શિક્ષણ, તેના હક્કોને ઉજાગર કરવાના હેતુંથી વિશ્વ બાળ દિનની ઉજવણી કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા બાળકોના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. પાલક માતાપિતા, શિક્ષણનો અધિકાર, બાળમજૂરી નાબૂદી, શાળા આરોગ્ય તપાસણી સહિતની બાબતોની તેમણે માહિતી આપી હતી.
સમારોહ પૂર્વે સમાજ સુરક્ષા વિભાગ દ્વારા સંચાલિત બાળ ગૃહની મહાનુભાવોએ મુલાકાત લીધી હતી. ત્યાં ઉપલબ્ધ કરાવવામાં આવેલી વિવિધ સુવિધાઓની જાત માહિતી મેળવી હતી. બાળગૃહના બાળકો સાથે સંવાદ સાધી તેમના ક્ષેમકુશળ ની પૃચ્છા કરી હતી. બાદમાં મહાનુભાવો દ્વારા બાળકોમાં મીઠાઇનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે, જિલ્લા કાનૂની સેવા મંડળના મંત્રી અને જજ ડી. એ. પટેલ, જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર, પ્રાંત અધિકારી તેજસ પરમાર, બાળ કલ્યાણ સમિતિના ચેરમેન નરેન્દ્રભાઇ સોની ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન સમાજ સુરક્ષા અધિકારી આર. પી. ખાટા તથા આભાર દર્શન જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શાંતિલાલ તાવિયાડે કર્યું હતું. સમારોહમાં અન્ય શાળાના બાળકો પણ સહભાગી બન્યા હતા.