દાહોદ જિલ્લામાં હોળી ધુળેટીના પર્વ દરમિયાન લોકઉત્સવો યોજાઈ છે અને પર્વની ઉજવણી માટે રોજગારી અર્થે બહાર ગયેલા લોકો પણ મોટી સંખ્યામાં વતન પરત આવે છે. ત્યારે જિલ્લા તંત્ર દ્વારા મેળાઓમાં એકત્રિત થતા માનવ મહેરામણમાં લોકજાગૃતિના વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાય છે. બાવકા ખાતે આ વખતે યોજાયેલા આમલી અગિયારસના મેળામાં આરોગ્ય શાખા દ્વારા રક્તપિત્ત અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
દાહોદના પૌરાણિક શિવ મંદીર બાવકા ખાતે આમલી અગિયારસના મેળામાં આરોગ્ય શાખા દ્વારા રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મેળામાં પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વધુમાં જનજાગૃતિ દ્વારા સમાજમા હજુ પણ રક્તપિત્તના છુપાયેલા દર્દીઓ તપાસ અર્થે આગળ આવે અને સારવાર લઈ રોગમુકત થાય, દાહોદ જીલ્લામાંથી રક્તપિત્ત નાબૂદ થાય તે હેતુથી મેડિકલ ઑફિસર પેરામેડિકલ વર્કર સંગીતા બારીયા અને આરોગ્ય સ્ટાફ દ્વારા વ્યાપક જન જાગૃતિ અને પ્રચાર પ્રસાર કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૨૨-૨૩માં અત્યાર સુધી ૩૦૮ નવા દર્દીઓ મળ્યાં હતાં. જ્યારે ૩૨૨ દર્દીઓ સારવાર લઈ સંપૂર્ણ પણે સાજા થયા હતા. અત્યારે ૨૩૩ દર્દીઓ સારવાર હેઠળ છે.
તદ્દપરાંત, જૂના દર્દીઓને જે સાજા થઈ ગયેલ છે પરંતું પગમાં બહેરાશને લીધે પગમાં ચાંદા ન પડે તે હેતુથી ૪૩૫ જેટલા દર્દીઓને સરકારશ્રી દ્વારા માઇક્રોસેલ્યુલર (MCR) નાં સેન્ડલનું વિતરણ કરવામાં આવ્યું હતું. તથા ૫૦ જેટલા દર્દીઓને અલ્સર કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.
શરીર પર આછું ઝાંખું અથવા રતાશ પડતું ચાઠું રક્તપિત્ત હોઈ શકે, રક્તપિત્ત રોગનું નિદાન અને સારવાર તમામ સરકારી દવાખાના મફત થાય છે. MDT સારવારથી રક્તપિત્ત ચોક્કસ મટી શકે છે.