THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લા વહીવટી તંત્રના લોકાભિમુખ અને સંવેદનશીલ શાસનનો પરિચય કરાવતી એક ઘટના આજે બની હતી.
દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડી પાસે પોતાની શારીરિક માંદગી અંગે રજૂઆત લઇ આવેલા એક અરજદારને માત્ર દોઢ જ કલાકમાં તમામ પ્રકારના સાધનિક આધાર પૂરાવાઓ તૈયાર કરાવડાવી મુખ્યમંત્રી અમૃતમ્ કાર્ડ કાઢી આપવામાં આવ્યું હતું. કલેક્ટર તંત્રના આ પ્રયાસથી હવે, અરજદાર પોતાના દર્દીની સારવાર સારી રીતે કરાવી શકશે.
દાહોદમાં રહેતા ૬૨ વર્ષીય ઇબ્રાહિમભાઇ તાહેરભાઇ પલ્લાવાલા કલેક્ટર વિજય ખરાડીની મુલાકાત માટે આવ્યા હતા. જ્યાં તેમની રજૂઆત એવી હતી કે તેઓ વયોવૃદ્ધ થઇ ગયા છે અને તેમની આવક પણ પૂરતી નથી. આવકનું કોઇ સાધન ન હોવાથી તેમની આ સ્થિતિ છે. તેઓ કિડની અને પગની બિમારીથી પીડાય છે. આર્થિક સંકડામણના કારણે તેઓ પોતાની આ ગંભીર બિમારીની સારવાર સારી રીતે કરાવી શકતા નથી.
આ સ્થિતિને કલેક્ટરએ સંબંધિત અધિકારીઓને ઇબ્રાહિમભાઇને તત્કાલીક મુખ્યમંત્રી અમૃતમ્ યોજનાનું કાર્ડ કાઢી આપવા સૂચના આપી હતી. જેના પ્રતિભાવમાં દાહોદ મામલતદાર કચેરીમાંથી તેમનો આવકનો દાખલો તત્કાલ કાઢીને માં કાર્ડ માટેની પ્રોસેસ કરવામાં આવી હતી. આધાર પૂરાવાની પ્રોસેસ સાથે જ માત્ર દોઢેક કલાકના સમય ગાળામાં ઇબ્રાહિમભાઇને અમૃતમ કાર્ડ મળી ગયું હતું. તેમણે આંખોમાં ઝળઝળિયા સાથે વહીવટી તંત્રનો આભાર માન્યો હતો.