- પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયામાં આવતા પેઇડ ન્યૂઝ અને પેઇડ જાહેરાત અંગે જરૂરી માર્ગદર્શન આપ્યુ
૧૯- દાહોદ (અ.જ.જા.) લોકસભાની સામાન્ય ચુંટણી – ૨૦૧૯ તા.૨૩/૦૪/૨૦૧૯ ને મંગળવાર ના રોજ યોજાનાર છે. લોકસભા સામાન્ય ચુંટણીની તંત્ર દ્વારા પુરજોશમાં કામગીરી ચાલી રહી છે. આ સંદર્ભે દાહોદ જિલ્લા સેવાસદન ખાતે કાર્યરત મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનીટરીંગ કમિટી તથા ઈલેક્ટ્રોનિક મીડિયા મોનીટરીંગ સેન્ટરની મુલાકાત વડોદરા, પ્રાદેશિક કચેરીના સંયુક્ત માહિતી નિયામક મહેશચંદ્ર કટારાએ લઇ મીડિયા મોનીટરીંગ કંટ્રોલ રૂમની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતુ. તેઓએ અખબારોમાં પ્રસિદ્ધ થતા ચુંટણી સંબંધિત સમાચારોનું તથા મીડિયા મોનીટરીંગ સેન્ટરમાં ચુંટણી પંચના નિર્દેશાનુસાર યોગ્ય રીતે મોનીટરીંગ થાય છે કે કેમ તે અંગેની કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું હતું. મહેશચંદ્ર કટારા મીડિયા મોનીટરીગ સેન્ટરમાં કામગીરી કરતા કર્મચારીઓની કામગીરીથી વાકેફ થયા હતા. પ્રિન્ટ મીડિયામાં રોજબરોજ સમાચારનુ અને ન્યુઝ ચેનલો ઉપર પ્રસારિત થતા સમાચારોના મોનીટરીંગ બાબતે સ્ટાફને પૃચ્છા સાથે ઝીણવટભરી રીતે માહિતી મેળવી હતી.
પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં આવતા પેઇડ ન્યૂઝ અંગે જરૂરી માર્ગદર્શન આપવા સાથે સૂચનો કર્યા હતા. આ કામગીરીને ગંભીરતા પૂર્વક પાર પાડવા અંગે તાકીદ કરી હતી. મીડિયા મોનીટરીંગની કામગીરી બાબતે દાહોદ મીડિયા નોડલ અધિકારી, એમ.સી.એમ.સી. સભ્ય સચિવ અને નાયબ માહિતી નિયામક નલીન બામણીયાએ ઉભી કરવામાં આવેલી વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. મહેશચંદ્ર કટારાએ સેન્ટરની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો. આ મુલાકાત દરમિયાન કચેરીના માહિતી મદદનીશ મહેન્દ્ર પરમાર, મીડિયા સેન્ટરના નિરિક્ષક તથા ટેકનિકલ આસિસ્ટન્ટ રોહિત જોષિયારા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.