
દાહોદ જિલ્લો આદિવાસી બહુલક જિલ્લો છે અને દાહોદ જિલ્લા ની ઓળખ એક આદિવાસી જિલ્લા તરીકે વિશ્વ ભરમાં થયેલી છે. ત્યારે આદિવાસીઓ દ્વારા પોતાની મૂળ જૂની સંસ્કૃતિ અને પરંપરાઓ જીવંત રાખવા માટે દરેક પ્રસંગે ધ્યાન રાખી અને નવી ટેકનોલોજીને અપનાવાની સાથે સાથે પોતાની પરંપરાઓને યાદ રાખી તેને જાળવી રાખવા માટે સમાજ દ્વારા પુરા પ્રયત્ન કરવામાં આવે છે. જેના ભાગ રૂપે આજે દાહોદ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે સવારથી એક વિશાલ ઢોલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું
દાહોદમાં ઢોલ મેળાનું આયોજન આદિવાસી સમાજ સુધારણા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું અને દાહોદના જુદા જુદા ગામો માંથી 500 જેટલા ઢોલીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. અને સવારથી જ રજીસ્ટ્રેશન પ્રક્રિયા પુરી કરી ઢોલીઓ મેદાનમાં ઉતરી ગયા હતા. આ ઢોલીઓ પોતાની સંસ્કૃતિ જાળવવા માટે પોતાની ટીમ સાથે ઢોલ, ઘૂઘરાવાળો પટ્ટો, થાળી, વાંસળી અને આદિવાસી પહેરવેશ સાથે આવે છે. અને આટલા મોટા ઢોલને ગળામાં લટકાવી અને કલાકો સુધી ઢોલ વગાડે છે. આયોજકો દ્વારા આ મેળાના અંતે ઢોલીઓને ઇનામો અને પ્રોત્સાહન ઇનામો પણ આપવામાં આવે છે. આ મેળાનો હેતુ માત્ર આ મોર્ડર્ન દુનિયામાં લોકો પોતાના ઢોલ છોડી અને ડી.જે તરફ ન વળે તે માટેના આ પ્રયત્ન છે અને તે વર્ષોથી કરતા આવી રહ્યા છીએ અને તેમાં થોડી સફળતા પણ મળી છે અને આગળ વધુ પ્રયત્નો કરતા રહીશું તેવું આયોજકોનું કહેવું છે.
આયોજનમાં મુખ્ય મહેમાન તરીકે પ્રવાસન નિગમના ડિરેક્ટર સુધીર લાલપુરવાલા, નગરસિંહ પલાસ આયોજક, ડોક્ટર ડામોર, પાલિકાના માજી પ્રમુખ રાજેશ સહેતાઈ, ગિરીશ પટેલ, નીરજ દેસાઈ તેમજ અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.