એકતા, અખંડિતતા અને રાષ્ટ્રસેવાના મૂલ્યો સહિત સ્વદેશી ચીજ-વસ્તુઓને રોજિંદા જીવનમાં ઉતારવા અનુરોધ કરતા સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર
દાહોદ જિલ્લામાં સરદાર પટેલની ૧૫૦ મી જન્મ જયંતી નિમિત્તે દેવગઢ બારીયા વિધાનસભા મતવિસ્તારમાં સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને એકતા પદયાત્રા યોજવામાં આવી હતી. આ પદયાત્રા દેવગઢ બારીયામાં સરદાર પટેલ સર્કલથી શરૂ થઇને અવંતિ ખાતે આવીને પૂર્ણ થઇ હતી. આ પ્રસંગે સાંસદ જશવંતસિંહ ભાભોરએ આ પ્રસંગે સૌને શુભેચ્છાઓ પાઠવતાં કહ્યું હતું કે, વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે સૌએ એક બનીને આગળ વધવું પડશે. અખંડ ભારતના ઘડવૈયા શ્રી સરદાર પટેલે સમગ્ર ભારતને એક કરીને એકતાનો સંદેશ આપ્યો હતો, ત્યારે દરેક નાગરિકે એકતા, અખંડિતતા અને રાષ્ટ્રસેવાના મૂલ્યોને તેમજ સ્વદેશી વસ્તુઓને જીવનમાં ઉતારવા જોઈએ.
દેવગઢ બારિયા ધારાસભ્ય બચુભાઈ ખાબડએ આ પ્રસંગે કહ્યું હતું કે, સરદાર એ ફક્ત નેતા ન હોતા પરંતુ તેઓ અખંડ ભારતના ઘડવૈયા હતા. એ સાથે તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાનએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ના નિર્માણ થકી સરદાર પટેલને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી છે. વિકસિત ભારતના સપનાને સાકાર કરવા સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કે કરવા માટે ભાર મૂક્યો હતો. સર્વે ઉપસ્થિતોએ સ્વદેશીના શપથ ગ્રહણ કર્યા હતા. આ દરમ્યાન ઉપસ્થિત સૌ મહાનુભાવો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવી યાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું. દેવગઢ બારીયા સરદાર પટેલ સર્કલથી શરૂ થયેલ આ પદયાત્રાનું અવંતિ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું. પદયાત્રા દરમ્યાન રસ્તામાં સરદાર પટેલની પ્રતિમાનું સ્વાગત કરવા માટે નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પ્રાંત અધિકારી દેવગઢ બારીયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત વિકાસ અધિકારી, જિલ્લા રમત-ગમત અધિકારી, ચીફ ઓફિસર નગરપાલિકા, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, વન વિભાગ, પોલીસ વિભાગ, દાહોદ ભાજપા પ્રમુખ, જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ, સંગઠનના હોદ્દેદારો સહિત અધિકારીઓ – કર્મચારીઓ, કોલેજના વિદ્યાર્થીઓ તેમજ દેવગઢ બારિયા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


