દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદના પરેલ રોડ સાઈડ વિસ્તારમાં આવેલી કેન્દ્રીય વિદ્યાલયમાં આજે 8 માર્ચ ૨૦૨૪ ને શુક્રવારના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે દાહોદ મહિલા પોલીસ સ્ટેશનના PSI સુશ્રી મિત્તલબેન પટેલને કેન્દ્રીય વિદ્યાલયના પ્રાચાર્ય એનોષ સેમસન દ્વારા મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા અને તેમણે આમંત્રણ સ્વીકારી કેન્દ્રીય વિદ્યાલયમાં આવ્યા હતા. આ પછી પ્રાચાર્ય એનોષ સેમસને ફૂલ અને સ્મૃતિ ચિન્હ આપીને તેમનું સ્વાગત કર્યું હતું.
ત્યાર બાદ PSI મિત્તલબેન પટેલે પોતાના વક્તવ્યમાં વિદ્યાલયની દરેક મહિલા કર્મચારીને આ પ્રસંગે અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે આજે દરેક સ્ત્રીનું આ એક જ દિવસે સન્માન આપવામાં આવે છે, પરંતુ મારા મતે દરેક સ્ત્રીને દરરોજ સન્માન આપવું જોઈએ કારણ કે સ્ત્રી સવારે વહેલા ઊઠીને તેના વ્યવહારિક અને પારિવારિક કામમાં વ્યસ્ત રહે છે અને રાત્રે સૂવા ન જાય ત્યાં સુધી એક પગે ઊભી રહે છે અને તેના પરિવાર માટે સમય કાઢે છે.
તેમણે વધુમાં કહ્યું કે આજે આપણે જોઈ શકીએ છીએ કે આજે સ્ત્રી દરેક ક્ષેત્રે પુરુષ ની સમકક્ષ પહોંચી છે. પહેલા પોલીસ વિભાગમાં મહિલાઓની ભરતી ઘણી ઓછી હતી, પરંતુ આજે તેઓ પુરૂષ પોલીસની સમકક્ષ બની ગઈ છે અને તેમની સાથે ખભે ખભા મિલાવીને ઉભી રહી કાર્ય કરે છે. તેમના વક્તવ્ય બાદ શાળાની દરેક મહિલા કર્મચારીને તેમના કરકમલો દ્વારા ફૂલ અને મોમેન્ટો પણ આપવામાં આવ્યા હતા.
ત્યાર બાદ કેન્દ્રીય વિદ્યાલયના પ્રાચાર્ય એનોશ સેમસને આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ PSI મિત્તલબેન પટેલ અને તમામ મહિલા શિક્ષિકાઓનો આભાર માન્યો હતો. અને કાર્યક્રમના અંતે અલ્પાહારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.