દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્યમથક દાહોદના ગોવિંદ નગરમાં આવેલ પંડિત દીનદયાલ ઓડીટોરીયમમાં આજે તા.૦૮/૦૩/૨૦૧૯ શુક્રવારના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મહર્ષિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં દીપિકા ચીખલીયા ટોપીવાલા (TV સિરિયલ રામાયણમાં સીતા માતાનુ પાત્ર ભજવનાર), ક્રિક હીરોઝના ફાઉન્ડર તથા ઇન્ડિયન ફોર્મર ક્રિકેટ પ્લેયર તથા હાલમાં મહિલા ક્રિકેટ કોચ જિજ્ઞાબેન ગજ્જર, લોકસભાના સાંસદ તથા કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર, પ્રવાસન નિગમના ડિરેકટર સુધીરભાઈ લાલપુરવાલા, APMC ના વાઇસ પ્રેસિડેન્ટ કૈલાશભાઈ ખંડેલવાલ, રાષ્ટ્રીય એકતા મંચના અધ્યક્ષ ઉષાબેન પટેલ, દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રભાઈ સોની, નગર પાલિકાના પૂર્વ પ્રમુખ સંયુક્તાબેન મોદી, રાજેશભાઈ સહેતાઈ તથા મહર્ષિ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રિતેશ ભાટીયા, મંત્રી શીતલબેન પરમાર તથા રીના પંચાલ મંચ ઉપર હાજર હતા.
આંતરરાષ્ટ્રીય મહિલા દિન કાર્યક્રમની શરૂઆત વંદેમાતરમ્ ગીત કરવામાં આવી હતી ત્યારબાદ પુલવામામાં શહીદ થયેલા જવાનોના સન્માનમાં એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ કાર્યક્રમમાં મંચ પર ઉપસ્થિત મહેમાનો દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતુ. મહર્ષિ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપ પ્રમુખ શ્રદ્ધા મોઢીયા દ્વારા મહાનુભાવોનું શાબ્દિક અભિવાદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ દરેક મહાનુભાવોને પુષ્પગુચ્છ તથા તેમના પોતાના ફોટાનુ પેન્સિલ સ્કેચ ભેટમાં આપવામાં આવ્યા હતા.
વધુમાં ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રદ્ધા મોઢીયાએ ટ્રસ્ટ વિશે ટૂંકમાં માહિતી આપી હતી. અને ત્યારબાદ જિજ્ઞાબેન ગજ્જરે કહ્યું કે ક્રિકેટરને બોલવાનું બહુ આવડે નહી પરંતુ રમત રમતા અને રમાડતા બહુ સારી રીતે આવડે છે. હું મારા ફેમિલીના સપોર્ટ થી જ ક્રિકેટર બની છું. જીવનમાં સ્પોર્ટ્સ જ એવું છે કે જ્યાં હાર અને જીતનું મહત્વ સમજી શકાય છે ત્યારબાદ શ્રી શ્રી રવિશંકર વિદ્યા મંદિરના વિદ્યાર્થી દ્વારા મતદાન ફરજિયાત કરવું તે બાબતનું એક સરસ નાટક રજુ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ પોતપોતાના ક્ષેત્રે પારંગત એવી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું કે જેમાં સૌપ્રથમ અમદાવાદના જીજ્ઞાબેન ગજ્જરને ક્રીક હીરોઝના ફાઉન્ડર તથા ઇન્ડિયન ફોર્મર ક્રિકેટ પ્લેયર તરીકે ઉમદા અને સરાહનીય કામગીરી કરી રહ્યા છે તથા ગુજરાતના વિવિધ ક્રિકેટ પ્રેમી બાળકોને કે જેમને ક્રિકેટમાં રસ હોય તેમને ક્રિકેટ શીખવાડવા બદલ એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ દાહોદના લેડી ગાયનેકોલોજિસ્ટ તરીકે કેટલીયે સ્ત્રીઓને શેર માટીની ખોટ પૂરનારી તથા IVF ટ્રીટમેન્ટ જેવી લેટેસ્ટ પદ્ધતિનો ઉપયોગ કરીને દાહોદ તથા આજુ બાજુના પ્રદેશોમાં મહિલાઓ માટે સાક્ષાત ભગવાનની ગરજ સારતા ડો.હેતલબેન પટેલનું પણ એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું, વધુમાં દાહોદ ક્ષેત્રે અને આજુબાજુના પ્રદેશમાં પુરુષ પ્રાધાન્ય ક્ષેત્રે સંપૂર્ણ સ્વતંત્ર રીતે મહિલા આર્કિટેક્ટ તરીકે કામ કરનાર અશરફીબેનનું પણ એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ મનિષાબેન ભટ્ટને દાહોદમાં ચાલતા કુટુંબ સલાહ કેન્દ્રમાં કોણ જાણે કેટલાય ઘરોને તૂટતું બચાવવા માટે, જૈમિનીબેન જોશી પોતાની ૭૦ વર્ષની ઉંમરે પણ પોતાના કાર્ય વખતે અડીખમ હંમેશા તત્પર અને પૂર્ણ સાથે કાર્ય કરવા માટે, મહિલા કંડક્ટર તરીકે અરુણાબેન ખરાડીને, ક્રિષ્નાબેન શાહને મિસ અમદાવાદ – ૨૦૧૯માં પ્રથમ રનરઅપ રહીને ગુજરાત કક્ષાએ દાહોદનું નામ રોશન કરી દાહોદની આગવી પ્રતિભા ઉભી કરવા બદલ, વૈશાલીબેન પ્રજાપતિએ ટી.વાય.બી.એ અભ્યાસક્રમના આર્ટસ ફેકલ્ટી ગુજરાત યુનિવર્સિટી અને હિસ્ટ્રી ડીપાર્ટમેન્ટ ગુજરાત યુનિવર્સિટી દ્વારા બે ગોલ્ડ મેડલ મેળવી દાહોદ જિલ્લાનું નામ રોશન કરવા બદલ તથા શ્રદ્ધાબેન ભાટિયા કે જે સૌથી નાની ઉંમરમાં મહિલા જીમમાં મહિલા ફિટનેસ ટ્રેનર તરીકે તથા કરાટેમાં નાની ઉંમરે બ્લેક બેલ્ટ મેળવનાર દાહોદ જિલ્લાની પ્રથમ મહિલા બનીને દાહોદ જિલ્લાનું નામ રોશન કરવા બદલ એવોર્ડ આપવામાં આવ્યા હતા.
દિપીકા ચિખલીયાએ જણાવ્યું હતું કે હું અહીં દાહોદ શહેરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે આવી બહુ ખુશ થઈ છું. મને એવું હતું કે હું આ મહર્ષિ ચેરીટેબલ ટ્રસ્ટનું આમંત્રણ સ્વીકારું કે નહીં પરંતુ જ્યારે આ ટ્રસ્ટ દ્વારા મહિલા દિન ઉજવાઈ રહ્યાનું સાંભળ્યું તો મને થયુ કે મારે જવું જ જોઈએ. વધુમાં તેમણે રામાયણ સિરિયલના શૂટિંગના દિવસો યાદ કરતા જણાવ્યું હતું કે રામાનંદ સાગરજી જ્યારે શોટ પૂરો થતો ત્યારે બધાને રામ રામ પરંતુ હું તેમનો વિરોધ કરતી અને કહેતી કે રામાયણ સીતા વગર પૂરી થઇ ન શકે માટે તમે રામ રામ ની જગ્યાએ જય સીયારામ કહો ત્યાંરથી તેઓ જ્યારે પણ શોટ પૂરો થતો ત્યારે જય સીયારામ કહેતા વધુમાં તેમણે દાહોદની મહિલાઓને સીતા, દ્રૌપદી, રાધા અને શક્તિનું ઉદાહરણ આપી નારીશક્તિ વિશે જાગૃત કરી હતી. અને પોતે સ્વનિર્ભર અને આત્મનિર્ભર બનો તેવું જણાવ્યું હતું.
ત્યારબાદ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોરએ ભારતમાં કોઈ પણ મુખ્યમંત્રીએ મહિલાઓના શિક્ષણ માટે પ્રયાસ કર્યો હોય તો તે પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દીકરીઓને સો ટકા મફત શિક્ષણ મળે તેની ગરબાડા થી શરૂઆત કરી કરી હતી વધુમાં તેમણે કહ્યું હતું કે દેશ ને એવા વડા પ્રધાન મળ્યા છે કે જેઓ પોતાને ભેટમાં મળેલી ભેટસોગાદો જાહેરમાં હરાજી કરી મળેલી રકમ મહિલાઓ માટે ખર્ચાય. વધુમાં તેમણે દાહોદની મહિલાઓ કે જેમણે દાહોદ શહેરને એક આગવી ઓળખ આપનાર શર્મિષ્ઠાબેન જગવત, કલ્પનાબેન શેઠ, દ્રષ્ટિ નેત્રાલયના ડો. શ્રેયાબેન, રાજેશ્વરીબેન શુક્લા, હેમાબેન શેઠ, જમીનબેન જાંબુઘોડાવાલાને યાદ કરી આંતરરાષ્ટ્રીય મહિલા દિન ની શુભેચ્છા પાઠવી હતી.