Thursday, December 5, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદની સરકારી ઇજનેરી કોલેજમાં ૧૨૦ પથારીનું કોવિડ કેર સેન્ટર બનાવાયું

દાહોદની સરકારી ઇજનેરી કોલેજમાં ૧૨૦ પથારીનું કોવિડ કેર સેન્ટર બનાવાયું

સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં ૨૦૦ પથારી કોરોનાના દર્દીઓ માટે રખાશે, જરૂર પડે તો સમગ્ર જિલ્લામાં ૧૪૦૦ પથારીનું આયોજન.
પોલીટેકનિક હોસ્ટેલમાં ૧૨૦ અને ખરેડીની એકલવ્ય મોડેલ રેસીડન્સી સ્કૂલમાં ૧૫૦ બેડની સુવિધા સાથે કોવિડ કેર સેન્ટરની તૈયારી.
દાહોદમાં કોરોના વાયરસના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અહીં ઝાલોદ રોડ પર આવેલી સરકારી ઇજનેરી કોલેજમાં નવું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના દર્દીઓની સારવાર માટે ૧૨૦ પથારીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત જરૂર પડે એવા સંજોગોમાં દેવગઢ બારિયામાં ૩૦૦ બેડ સહિત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કુલ મળી ૧૪૦૦ બેડ તૈયાર રાખવાનું આયોજન પણ કરી લેવામાં આવ્યું છે. છેલ્લા એક પખવાડિયાથી દાહોદ જિલ્લામાં કોરોના વાયરસના કેસોનો નોંધાયેલો વધારો ચિંતાજનક છે. એ બાબતને ધ્યાને લઇ કલેક્ટર વિજય ખરાડીએ દર્દીઓને સારવારમાં કોઇ કસર ના રહી જાય એવી વ્યવસ્થા કરવા માટે આરોગ્ય તંત્રને સૂચના આપી હતી. હાલમાં દાહોદમાં સરકારી ટેકનિકલ હાઇસ્કૂલ ખાતે એક કોવિડ કેર સેન્ટર કાર્યરત છે. તે બાદ સરકારી ઇજનેરી કોલેજમાં પણ હવે ૧૨૦ પથારીની સુવિધા ધરાવતું કોવિડ કેર સેન્ટર કાર્યરત કરી દેવામાં આવ્યું છે. ત્યાં કોરોના દર્દીઓના સંભાળ માટેની તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અહીં એક રૂમમાં ત્રણ પથારી મળી કુલ ૪૦ રૂમમાં કોરોનાના દર્દીઓની સંભાળ લેવામાં આવશે.
દાહોદ જિલ્લા માટે બીજી મહત્વની વાત એ છે કે, ઝાયડ્સ સિવિલ હોસ્પિટલ ખાતે ૧૫૮ પથારી કોરોના વાયરસના દર્દીઓ માટે છે. તેમાં પણ વધારો કરી જૂની બિલ્ડિંગમાં બીજી વધારાની ૨૦૦ પથારી કોરોનાના દર્દીઓ માટે બનાવવામાં આવશે. આ ઉપરાંત પોલીટેકનિક કોલેજના હોસ્ટેલ બિલ્ડિંગમાં ૧૨૦ બેડ તથા ખરેડી ખાતે આવેલી એકલવ્ય મોડેલ રેસીડન્સી સ્કૂલની બે ઇમારતમાં ૧૫૦ બેડની સુવિધા સાથેના કોવિડ કેર સેન્ટર તૈયાર રાખવામાં આવશે. દાહોદના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આરોગ્ય વિભાગની જરૂરિયાત મુજબ સી.સી.સી. બનાવવામાં આવી રહ્યા છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર. ડી. પહાડિયાએ જણાવ્યું કે, દાહોદ નગર અને જિલ્લાની મોટી હોસ્પિટલના બેડ પણ કોવિડ માટે નિયત કરવામાં આવશે. ખાનગી હોસ્પિટલોના ૩૦૦ જેટલા બેડ મળી શકે એમ છે. દાહોદમાં નાગરિકોને આરોગ્યની બાબતે કોઇ પણ મુશ્કેલી ના પડે એવી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments