Wednesday, April 16, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદમાં એક સપ્તાહમાં કોરોનાના દર્દીઓ માટે ૩૦૦ બેડ વધારવામાં આવશે : મુખ્યમંત્રી વિજયભાઈ...

દાહોદમાં એક સપ્તાહમાં કોરોનાના દર્દીઓ માટે ૩૦૦ બેડ વધારવામાં આવશે : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

  • મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે દાહોદમાં કોરોનાની સ્થિતિનો ક્યાસ કાઢ્યા બાદ લેવાયેલો નિર્ણય.
  • આગામી લગ્નસરામાં લગ્ન પ્રસંગોમાં નિયત કરતા વધુ લોકો ભેગા ન થાય તે તકેદારી રાખવા પોલીસને સૂચનાઓ અપાઇ છે.
  • દાહોદના ગ્રામ્યકક્ષાએ સેવા આપતા તબીબો પણ કોવિડ હેલ્થ સેન્ટર શરૂ કરે તેવી કાર્યવાહી કરવા માટે તંત્રને મુખ્યમંત્રીશ્રી સૂચના.
  • ઝાયડ્સ હોસ્પિટલમાં કાલથી લોકોની સેવામાં સિટી સ્કેનની સુવિધા શરૂ કરવાની મુખ્યમંત્રીશ્રી જાહેરાત.

કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આરોગ્યતંત્રની સજ્જતાની જાતમાહિતી મેળવવા માટેના ઉપક્રમ અનુસંધાને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ આજે દાહોદ પહોંચ્યા હતા. તેમણે અહીં જિલ્લા વહીવટી તંત્ર સાથે વિસ્તૃત ચર્ચા કરી આગામી સપ્તાહમાં ૩૦૦ પથારીની સુવિધા ઉભી કરવાની જાહેરાત કરી છે. ઉક્ત બાબતમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, દાહોદમાં ઝાયડ્સ હોસ્પિટલ ખાતે ૨૦૦ પથારી અને જિલ્લામાં ૧૦૦ વધારાની પથારી તમામ સુવિધા સાથે દર્દીઓ માટે વધારવામાં આવશે. એટલે, દાહોદમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે વધારાની ૩૦૦ પથારી આગામી એક સપ્તાહમાં વધી જશે.

મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં આગામી તા. ૨૫, ૨૬ અને ૨૭ના રોજ મોટા પ્રમાણમાં લગ્નગાળો છે. તેમાં કોવિડની S.O.P. નું પાલન થાય તે જોવાની જે તે વિસ્તાર ના પોલીસ સ્ટેશનને જવાબદારી સોંપવામાં આવી છે. જો લગ્નમાં નિયત કરતા વધુ ભીડ જોવા મળશે, તો જવાબદાર પોલીસ અધિકારી સામે પણ પગલાં લેવામાં આવશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, દાહોદ જિલ્લામાં જે વિસ્તારો માંથી વધુ કોરોનાના કેસો મળી આવે છે, ત્યાં ટેસ્ટ, ટ્રેસિંગ અને આઇસોલેટ કાર્યમંત્રને આધારે લોકસહકારથી ઘનિષ્ઠ આરોગ્ય ચકાસણીની ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. દર્દીઓને આરોગ્ય લક્ષી દવાઓની કિટ્સ પણ આપવામાં આવશે. કન્ટેઇન્મેન્ટ ઝોનના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા માટેની સ્થાનિક પ્રશાસનને સૂચના આપવામાં આવી છે. તેઓએ એમ પણ જણાવ્યું કે દાહોદના ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના કેસોનું પ્રમાણ વધુ પ્રમાણમાં જોવા મળે છે. તેથી, ગ્રામ્યકક્ષાએ સેવા આપતા તબીબો પણ કોવિડ હેલ્થ સેન્ટર શરૂ કરે તેવી કાર્યવાહી કરવા માટે તંત્રને સૂચના આપવામાં આવી છે. તેમણે દાહોદના નાગરિકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અને સમયસર વેક્સીન લઇ લેવા અપીલ પણ કરી હતી. તેમણે જનપ્રતિનિધિઓને પણ લોકઆરોગ્યની સુરક્ષાના અભિયાનમાં જોડવવા માટે જણાવ્યું હતું.

 THIS NEWS IS POWERED BY –– SHRI KRISHNA SWEETS 

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ બેઠકમાં જિલ્લાની કોવીડ પરિસ્થિતિ અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે વિગતે સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને જિલ્લામાં ડેડીકેટેડ હોસ્પીટલ્સ, બેડસની ઉપલબ્ધતા, રેમડેસિવિર ઇન્જેક્શન, એન્ટીજન ટેસ્ટ કીટ, લોજીસ્ટીક્સ સહિતની તમામ બાબતો અંગે તલસ્પર્શી માહિતી આપવામાં આવી હતી. મુખ્યમંત્રી સમક્ષ જિલ્લાની કોવીડ સ્થિતિ અંગે સ્પષ્ટ અને સર્વગ્રાહી ચિત્ર રજૂ કરવામાં આવ્યું હતું. જે મુજબ દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ સાડા ત્રણ લાખથી પણ વધુ કોવીડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ટેસ્ટ પોઝિટિવીટી રેટ ૧.૧૦ ટકા છે. જયારે જિલ્લામાં કોવીડ દર્દીઓનો ડિચાર્જ રેટ ૮૯.૦૯ ટકા છે. કોરોના કેસો ડબલ થવાનો સમયગાળો ૧૫૩ દિવસ રહ્યો છે. જયારે કેસ ફેટાલીટી રેટ ૦.૧૬ છે. કોરોનાના કેસ દીઠ કરવામાં આવતા કોન્ટેક્ટ ટ્રેસીંગની સંખ્યા સરેરાશ ૨૦૬ છે. જે રાજયમાં સૌથી વધુ કોન્ટેક્ટ ટ્રેસીંગ રેશીયો પૈકીનો એક છે.

જ્યારે કોવીડનો કમ્પાઉન્ડ ડેઇલી ગ્રોથ રેટ ૧.૪૭ ટકા રહ્યો છે. પ્રતિ ૧૦ લાખ વ્યક્તિએ દૈનિક ધોરણે ૧૧૭૨ લોકોના ટેસ્ટ કરાઇ રહ્યાં છે. કોવીડની બીજી લહેરમાં દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટેસ્ટ, ટ્રેસ અને આઇસોલેટના કાર્યમંત્ર ઉપર કામગીરી કરવામાં આવી રહી છે. છેલ્લા ૧૮ દિવસમાં આરોગ્ય વિભાગ દ્વારા ૫૬૬૪૭ લોકોનું સેમ્પલ કલેક્શન કરવામાં આવ્યું હતું. જેમાંથી પોઝિટિવીટી રેટ ૧.૨૫ ટકા રહ્યો છે.
જિલ્લામાં કુલ ૨૬૫૪ ટીમ દ્વારા ૪.૨૦ લાખ લોકોથી વધુનું સીધું સર્વેલન્સ કરવામાં આવ્યું છે. જેમાંથી ૨૩૧૧ લોકોને કોવીડ લક્ષણો જણાયા હતા. સર્વેલન્સને આધારે કુલ ૨૪૭૨ લોકોનો એન્ટીજન ટેસ્ટ અને ૧૪૧૭ લોકોનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ ૨૬૪૨૩૫ લોકોનો, જયારે પીન્ક એરીયામાં ૭૨૮૬૮ લોકોનો, એમ્બર એરીયામાં ૨૦૫૬૫ લોકોનો, કન્ટેઇન્મેન્ટ ઝોનમાં ૪૨૯૪૫ લોકોનો સર્વેલન્સ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત બોર્ડર સ્ક્રિનિંગ ૧૭૯૩ લોકોનો, ધન્વંતરિ રથ દ્વારા ૫૪૫૮ લોકોનું સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. સરકારી દવાખાનાઓ ૫૦૭૨ લોકોની અને ખાનગી હોસ્પીટલમાં ૬૨૮૬ લોકોની ઓપીડી કરવામાં આવી હતી. બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન વગેરે સ્થળે સુપરસ્પેડ્રર હોય તેવા ૧૨૨૨ લોકોનું સર્વેલન્સ હાથ ધરાયું હતું. જિલ્લામાં કુલ ૫૫ ધન્વંતરિ રથ દ્વારા દૈનિક ધોરણે કરવામાં આવતી ઓપીડી સરેરાશ ૧૫૧ છે. ધન્વંતરિ રથ દ્વારા કુલ ૧૬૧૧ લોકોના એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યા છે. જયારે ૪૨૭ લોકોને સારવાર અર્થે રીફર કરવામાં આવ્યા છે.

દાહોદ જિલ્લાની ઝાયડસ મેડીકલ કોલેજ અને હોસ્પીટલ, અર્બન રળિયાતી હોસ્પીટલ, રેલ્વે હોસ્પીટલમાં કુલ ૪૩૬ બેડની કેપિસીટી છે. જયારે જિલ્લાની ૨૨ ખાનગી હોસ્પીટલમાં ૫૬૨ બેડની કેપિસીટી છે. જેમાંથી સરકારી હોસ્પીટલમાં કુલ ૧૨૯ આઇસીયુ બેડ અને ખાનગી હોસ્પીટલમાં ૯૧ આઇસીયુ બેડ એમ કુલ ૨૨૦ આઇસીયુ બેડ છે. તેમાંથી કુલ ૪૪ માં વેન્ટીલેટર અને ૩૭ માં બાઇપેપની સગવડ છે. જિલ્લામાં ઉક્ત ત્રણ સરકારી હોસ્પીટલમાં ૨૪૪ ઓક્સીજન બેડ અને ખાનગી હોસ્પીટલમાં ૨૧૪ ઓક્સીજન બેડ એમ કુલ ૪૫૮ ઓક્સીજન બેડ છે. ઉપરાંત ઉક્ત સરકારી હોસ્પીટલમાં ૬૩ અને ખાનગી હોસ્પીટલમાં ૨૫૭ એમ કુલ ૩૨૦ નોર્મલ બેડ છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ૧૦ કોવીડ હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ૧૧૦ બેડ ઉપલબ્ધ છે. જયારે દાહોદ સહિત અન્ય તાલુકાઓના ૯ કોવીડ કેર સેન્ટરમાં ૬૩૮ બેડ ઉપલબ્ધ છે.

નાગરિકોને કોરોના અંગેની માહિતી મળી રહે તે માટે ૨૪×૭ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જયાં બેડની ઉપલબ્ધતા, કોરોનાની દવા, રસીકરણ કેન્દ્ર તેમજ ટેસ્ટીંગ સેન્ટર સહિતની માહિતી આપવામાં આવે છે. ઉપરાંત કોલ સેન્ટર દ્વારા કોલ કરીને હોમ આઇસોલેટ દર્દીઓ, એક્ટીવ-ડિસ્ચાર્જ દર્દીઓ, સગર્ભા-ધાત્રી માતાઓનું ફોલો અપ લેવામાં આવે છે. આ રીતે અત્યાર સુધીમાં ૪૯૩૬ કોલ કરવામાં આવ્યા છે. કોવીડ ડેડીકેટેડ હોસ્પીટલ, કોવીડ કેર સેન્ટર સાથે આ કોલ સેન્ટરનું સતત સંકલન રાખવામાં આવે છે. કોવીડની બીજી લહેરમાં સંક્રમણને રોકવા દાહોદ જિલ્લા પોલીસે માસ્ક પહેરવા માટે સકારાત્મક ઝુંબેશ હાથ ધરી હતી અને ૯૯૯૩૧ લોકોને નિ:શુલ્ક માસ્ક આપ્યા છે. લોકડાઉન અને અનલોકના વિવિધ તબક્કાઓમાં અત્યાર સુધીમાં ૩૨૨૫ લોકો સામે વિવિધ કલમો હેઠળ જાહેરનામા ભંગના ગુના નોંધવામાં આવ્યા છે.

જિલ્લામાં કોવીડ રસીકરણ અભિયાન અંતર્ગત ૨૭૨૧૬૬ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો છે. જયારે તેમાથી ૬૮૪૧૬ લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે ડોર ટુ ડોર સર્વેલન્સ વધારીને કોવિડના દર્દીઓને સમયસર ટ્રેસ કરી લેવા આરોગ્ય વિભાગને સૂચના આપી હતી. આ ઉપરાંત, દાહોદ જિલ્લાની જરૂરિયાત આરોગ્યલક્ષી સાધન સુવિધા પૂરી પાડવામાં આવશે, તેમ પણ કહ્યું હતું. આ બેઠકમાં તેમણે ઝાયડ્સ હોસ્પિટલમાં સિટી સ્કેન તત્કાલ શરૂ કરવા પણ કહ્યું હતું.

આ બેઠકમાં રાજ્યમંત્રી બચુભાઇ ખાબડ, સાંસદ જસવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, ધારાસભ્ય રમેશભાઇ કટારા, નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, અગ્રણી શંકરભાઇ અમલિયાર, મુખ્યસચિવ અનિલ મુકીમ, ખાસ ફરજ પરના અધિકારી રાજકુમાર બેનીવાલ, રેન્જ ડીઆઇજી એમ. એસ. ભરાડા, કલેક્ટર વિજય ખરાડી, પોલીસ અધીક્ષક હિતેશ જોયસર, જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments