THIS NEWS IS SPONAORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીની સ્પષ્ટ વાત : ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ દૂકાનો ખોલવાની મંજૂરીની બાબતોથી લોકોએ ગેરમાર્ગે દોરાવું નહી, જિલ્લામાં લોકડાઉન નો ચુસ્ત અમલ કરવામાં આવશે.
જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે, સમગ્ર દાહોદ જિલ્લામાં આગામી તા. ૩ મે સુધી લોકડાઉનનો અમલ ચુસ્તપણે શરૂ રહેવાનો છે. તેમાં નાગરિકોને કોઇ પણ પ્રકારની અગવડના પડે એટલા માટે જીવન જરૂરી અને આવશ્યક ચીજવસ્તુઓની દૂકાનોને ચાલુ રાખવા મંજૂરી આપવામાં આવી છે. હવે, દાહોદમાં બીન આવશ્યક અને બીનજરૂરી દૂકાનો ખોલવાની કોઇ પણ પ્રકારની મંજૂરી આપવામાં નથી આવી. ગૃહમંત્રાલયના પત્રનું લોકો ખોટુ અર્થઘટન કરે નહીં તે જરૂરી છે.
તેમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયના ઉક્ત પત્રના આધારે કેટલાક લોકો એવું સમજ્યા છે કે, દાહોદમાં દૂકાનો ખોલવાની મંજૂરી મળી ગઇ છે. પણ, હકીકતમાં એવું બિલ્કુલ નથી. ગૃહ મંત્રાલયનો સંબંધિત પત્ર પણ સ્વયંસ્પષ્ટ છે કે કયા વિસ્તારમાં, કેવી રીતે મંજૂરી આપવી, કોને મંજૂરી આપવી અને કેવા સંજોગોમાં મંજૂરી આપવી. એટલે, દાહોદમાં હાલમાં તમામ પ્રકારના જાહેરનામાનો અમલ શરૂ છે. કોઇએ તેનો ભંગ કરવાનો નથી. જે પણ મંજૂરી આપવામાં આવશે તેની સત્તાવાર રીતે જાણ કરવામાં આવશે. માહિતી માટે અધિકૃત સ્ત્રોતનો જ વિશ્વાસ કરવો.
તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે, ઉક્ત પત્રમાં એવું જણાવાયું છે કે, ગ્રામ્ય વિસ્તારમાં એવી જ દૂકાનોને ખોલવા માટે મંજૂરી આપવાની છે કે, તે દૂકાન ગામમાં એક માત્ર હોય અને આજુબાજુ બીજી કોઇ દૂકાન ન હોય ! આવી દૂકાનો ખોલવા માટે પણ મામલતદાર કચેરીની મંજૂરી લેવાની રહે છે અને માસ્ક સેનિટાયઝર સામાજિક અંતરના નિયમોના પાલન સહિતની શરતો પાલન કરવાના રહે છે.
શહેરી વિસ્તારમાં સ્ટેન્ડ અલોન હોય, બીજા શબ્દોમાં કહીએ તો એક દૂકાનની આસપાસ બીજી કોઇ દૂકાન ન હોય તેવી બાબતોને ધ્યાને લેવાની છે. સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન થાય એ જોવાનું છે. એટલે, મંજૂરી આપવાનો કોઇ સવાલ ઉભો થતો નથી. દાહોદમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના ચાર કેસ નોંધાયા છે. તેથી કોઇ પણ નિર્ણય લેતા પહેલા કોરોના સંક્રમણને અટકાવવાની બાબતને ધ્યાને લઇ લેવામાં આવશે. છૂટછાટના નિર્ણયો પણ લોકહિત તથા સંક્રમણને કેન્દ્રમાં રાખીને લેવામાં આવશે. એથી દાહોદમાં હાલે બીન જરૂરી અને બીન આવશ્યક કોઇ દૂકાનો ખોલવાની મંજૂરી નથી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવાનારા નિર્ણયોની સત્તાવાર રીતે જાણ કરવામાં આવશે. એથી કોઇએ અફવાઓથી ગેરમાર્ગે દોરાવું નહીં.
દરમિયાન, પોલીસ અધિક્ષક હિતેશ જોયસરે કહ્યું છે કે, કોરોનાના સંક્રમણની લોકોને બચાવવા માટે દાહોદ જિલ્લામાં લોકડાઉનનો અમલ ચાલુ જ છે. દાહોદ પોલીસ દ્વારા અત્યાર સુધીમાં જાહેરનામાના ભંગના ૧૬૦૦ થી વધુ કેસ કર્યા છે. ૧૭ કેસ ડ્રોન સર્વેલન્સ, ૨૦ કેસ CCTV દ્વારા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઓટોમેટિક નંબર પ્લેટ રિડિંગ (એએનપીઆર)ના આધારે ૧૦ કેસ કરવામાં આવ્યા છે. હવે, રાજ્ય પોલીસ વડા દ્વારા એવો આદેશ આપવામાં આવ્યો છે કે, આરોગ્ય કર્મચારી ની ફરજમાં રૂકાવટના કિસ્સામાં પાસાના કેસ કરવામાં આવશે, આ કેસમાં બે વર્ષ સુધી જેલમાં રાખવાની જોગવાઇ છે.
દાહોદમાં દૂકાનો ખોલવા માટેની કોઇ મંજૂરી આપવામાં નથી આવી. જે કોઇ નિર્ણય લેવામાં આવશે, તેની જાણ નાગરિકોને સત્તાવાર રીતે કરવામાં આવશે. એથી લોકોએ ખોટી અફવા ઓથી ભરમાવું નહી.