HIMANSHU PARMAR – DAHOD
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરમાં આજ રોજ વિશ્વકર્મા તેરસ એટલે કે વિશ્વકર્મા જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર પંચાલ સમાજ દ્વારા દાહોદના ગૌશાળા રોડ ઉપર આવેલ વિશ્વકર્મા મંદિરે સવારથીજ ભક્તો ની ભીડ જામવા મંડી હતી અને ભગવાન વિશ્વકર્માની સમૂહમાં પતિ-પત્નીએ સજોડે બેસી પૂજાઅર્ચના કરી હતી. ત્યારબાદ પંચાલ સમાજ ની વાડીમાં સમગ્ર સમાજ માટે ચા નાસ્તાની વ્યવસ્થા રાખવામાં આવી હતી અને ત્યાર પછી પંચાલ સમાજના મંદિરેથી ભગવાન શ્રી વિશ્વકર્માજીની શોભા યાત્રા દાહોદ ચેતના સોસાયટી થી નીકળી હતી અને દાહોદના ગોવિંદ નગર થઇ મુખ્ય બજાર આવી નેતાજી બજાર થઇ ભગવાન વિશ્વકર્માના મંદિરે પરત આવી હતી, ત્યારબાદ દાહોદ પંચાલ સમાજ દ્વારા સમૂહમાં પ્રસાદી અને ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. આવી જ રીતે દાહોદ જિલ્લાના અન્ય ગામો જેવા કે લીમડી, પેથાપુર, ફતેપુરા, દેવગઢ બારિયા, લીમખેડા, સંજેલી, ગરબાડા, ગાંગરડીમાં પણ ધામધૂમથી ઉજવણી કરી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. એવું પંચાલ સમાજના પ્રમુખ રાજેશભાઈ પંચાલે જણાવ્યું હતું .