THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
દાહોદ જિલ્લાનાં મુખ્ય મથક દાહોદમાં ચૈત્ર સુદ અગિયારસના પવિત્ર દિવસે પુષ્ટિમાર્ગના પ્રણેતા અને માર્ગદર્શક એવા શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો 545 મો પ્રાગટ્ય મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. સવારથી જ આ મહોત્સવમાં વૈષ્ણવ સંપ્રદાયના ભક્તો ખૂબ જ ઉત્સાહ ભેર દર્શનનો લાભ લેવા આવતા હતા અને સાંજે દેસાઈવાડ ખાતે આવેલ ગોવર્ધનનાથજીની હવેલી ખાતેથી એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓ પીળી સાડી તથા માથે કળશ અને પુરુષો કેસરી ખેસ પહેરી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા. આ શોભાયાત્રા દેસાઈવાડ થી નીકળી એમ.જી.રોડ, ગાંધી ચોક ફરી ગુજરાતી વાડ સ્થિત ગોકુલનાથજીની હવેલી પર થોડીવાર વિસામો લઈ દેસાઈવાડ પરત ફરી હતી. ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન પણ રાખવામાં આવેલું હતું
આ મહા મહોત્સવ ઇન્દોરથી પધારેલ દ્વિતીય પીઠાધીશ્વર પરમ પુજયપાદ 1008 શ્રી કલ્યાણરાયજી મહારાજજી, પરમ પૂજયપાદ 108 શ્રી હરિરાયજી બાવા તથા પરમ પૂજયપાદ 108 શ્રી વાગધિશજી બાવાની અસીમ કૃપા, માર્ગદર્શન અને સાનિધ્ય હેઠળ ઉજવવામાં આવ્યો હતો.