HIMANSHU PARMAR – DAHOD
PRAVIN PARMAR – DAHOD
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેર ખાતે આજે ગુજરાત બોર્ડના ધોરણ ૧૦નું પ્રથમ ભાષા અંગ્રેજી અને ગુજરાતી વિષયનું પેપર હતું. તેવા સમયે દાહોદની મોહમ્મદીયા એન્ડ પંજતનિયા સ્કૂલ ખાતે આજે દાહોદ જિલ્લા કલેકટર જે. રંજીથકુમારને કોઈક ઈસમે બાતમી આપેલ કે દાહોદની એમ.એન્ડ પી હાઈસ્કૂલમાં આજે ગુજરાતી વિષયના પેપરની પરીક્ષા શરુ થતાની સાથે જ બહાર બીજા રૂમમાં લઇ જવાયું છે અને તેના ઉપરથી ઝેરોક્સ મશીન ની મદદથી કાપલીઓ કાઢી MCQ ની ચોરી કરાવડાવામાં આવી રહી છે.
આ બાતમી કલેક્ટરે જાતે જ મામલતદાર દાહોદને અને ઓબ્ઝર્વર ડી.એન. પટેલને જાણ કરતા તેઓ સીધા પોલીસ કાફલા સાથે એમ.એન્ડ પી. હાઈસ્કૂલ ખાતે પહોંચી ગયા હતા અને ત્યાં જઈ અને એક શંકાસ્પદ રૂમ જેને તાળું મારેલું હતું તેની ચાવી શાળાના આચાર્ય ડી.કે.પટેલ પાસે માંગતા તેઓએ બીજી ચાવી આપી હતી અને તેનાથી તાળું ખુલ્યું નહોતું, જયારે આ બાબતે પૂછપરછ કડક કરી તો તેઓએ જણાવ્યું કે મેનેજમેન્ટ પાસે એની ચાવી હોય છે. અને ટ્રસ્ટી આજે બહાર છે, જેથી ઓબ્ઝર્વરે બહારથી પંચનામું કરી તાળા-ચાવીવાળા ને બોલાવી તાળું ખોલાવી અને એ શંકાસ્પદ રૂમમાં પ્રવેશતા ત્યાં ઢગલાં બંધ આજના ગુજરાતી વિષયના પપેરની કાપલી કે જે MCQ ની હતી તે મળી આવી હતી અને સ્થળ પર એક નવું ઝેરોક્ષ મશીન, બે ખુરસી, એક લાકડાનું ટેબલ અને ગુજરાતી ભાષાની ગાઈડ પણ મળી આવેલ જે મામલતદારે સ્થળ ઉપર પંચનામું કરી અને કબ્જે લીધેલ છે.
– આ બાબતે આચાર્યને પૂછતાં તેઓએ ગલ્લા તલ્લા કરાયા હતા અને ઘડી ઘડી જવાબ બદલતા જોવાયા હતા. આચાર્ય ડી.કે.પટેલનું કહેવું છે કે કોઈકે માહિતી આપી છે એવું મામલતદાર નું કહેવું છે તો તે માહિતી અપનારને જ પૂછે કે ઝેરોક્ષ મશીનના ફોટા એની પાસે કેવી રીતે આવ્યા અને તે તો આમા સામેલ નથી.
– નોંધ — ભલે મામલો તાપસના અંતે જે નિર્ણય ઉપર જાય પરંતુ જયારે આખા દાહોદ શહેરના ઝેરોક્ષ મશીન બંધ રાખતા હોય તો આ સ્કૂલમાં ઝેરોક્ષ મશીન લાવ્યુ કોણ ? તે યક્ષ પ્રશ્ન છે અને જો આચાર્ય એમ કહે છે કે તે જાણતા નથી તો પછી આ એકદમ નવા ઝેરોક્ષ મશીનમાં ૨૨૦૦ થી વધુ કોપી કોને કાઢી તે સવાલ આચાર્યને પૂછવો જોઈએ.
આ સમગ્ર મામલો એટલા માટે ગંભીર છે કે જો CCTV હોવા છતાં આવા કાવતરા થતા હોય તો શિક્ષણ જગતમાં કેટલો ભ્રસ્ટાચાર ચાલતો હશે તે જોવું રહ્યું. ઉપરથી જે રૂમમાં કાપલીઓ પડી હતી તે રૂમમાંથી સ્લીપો મળી જેમા ધોરણ-૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓના નામ હતા. જો કશું હતું નહીં તો આ કાગળ શેના હતા તે દરેક કાગળ ઉપર નામ કેમ લખેલા હતા. આ તમામ બાબતે આચાર્ય હું કશું જાણતો નથી તેમ કહી છટકી જવા માંગે છે.
આ રિપોર્ટ જિલ્લા શિક્ષણ અધિકારીને મોકલવામાં આવશે અને જિલ્લા શિક્ષણ અધિકારી તેના ઉપર તાપસ કરી વધુ યોગ્ય પગલાં લેશે તેવું ઓબ્ઝર્વરનું કહેવું હતું પરંતુ સમગ્ર મામલો ઠંડો પાડી દેવાની કોશિશ થતી હોય તેવું લાગી રહ્યું છે.
હજી ગયા વર્ષનું ચોરીનું ઝાલોદનું પ્રજાપતિ બંધુઓનું પ્રકરણ પૂરું નથી થયું ત્યાંજ દાહોદમાં આવી ઘટના બની તે તંત્ર માટે શરમજનક બાબત છે અને શિક્ષણ જગતમાં ચાલતી લુલી કામગીરીની આ સમગ્ર ઘટના ચાડી ખાય છે.