- ગુજરાતનાં તમામ ડેપો પૈકી આવકની દ્રષ્ટીએ અગ્રેસર રહેતો દાહોદ એસટી ડેપો
- દાહોદ ડેપો ગુજરાત રાજ્યને મધ્ય પ્રદેશ અને રાજસ્થાન સાથે જોડતો નિગમનો કડી રૂપ ડેપો છે.
રાજ્ય સરકારની સહાય થકી દાહોદમાં રૂ. ૪.૨૫ કરોડના ખર્ચે તમામ અધ્યતન સુવિધાઓથી સજ્જ ડેપો વર્કશોપ બનાવવામાં આવ્યો છે. જેમાં ડેપો મેનેજર ઓફિસ, ઈલેક્ટ્રિક રૂમ, સ્ટોર રૂમ, ઓઇલ રૂમ, ટાયર રૂમ, મીટીંગ રૂમ, મીકેનીકો માટેના રેસ્ટ રૂમ, શૌચાલય વગેરે જેવી તમામ સુવિધાયુકત ડેપો વર્કશોપ બનાવવામાં આવ્યો છે. દાહોદ ડેપો દ્વારા દૈનિક ૭૭ જેટલા શિડયુલનું નિયમિત સંચાલન કરી દૈનિક ૩૫ હજાર જેટલા મુસાફરોને બસ સુવિધા પુરી પાડવામાં આવે છે. તેમજ દાહોદ ડેપોની દૈનિક અંદાજીત આવક ૧૫ થી ૨૦ લાખ જેટલી થવા પામે છે. દાહોદ ડેપો ખાતેથી ગુજરાત રાજ્યનાં ૧૬ વિભાગોના ૧૨૫ ડેપોની તમામ બસોની અવરજવર થાય છે, જે દાહોદ ડેપો ગુજરાત રાજ્યનાં ૧૨૫ ડેપો પૈકીનો એક એવો ડેપો છે કે, જેમાં જુદા જુદા ડેપોની અંદાજીત ૬૦૦ થી પણ વધારે બસોની અવર જવર થાય છે તેમજ જુદા જુદા વિભાગોની ૪૦ થી ૫૦ બસો દ્વારા રાત્રી રોકાણ કરવામાં આવે છે. દાહોદ ડેપો ગુજરાત રાજ્યને મધ્ય પ્રદેશ અને રાજસ્થાન સાથે જોડતો નિગમનો કડી રૂપ ડેપો છે. જેમાં રાજસ્થાન તથા મધ્ય પ્રદેશ રાજ્યના મુસાફરોને પણ બસ સુવિધા પુરી પાડે છે અને અવિરત પણે મુસાફરોને સગવડ આપવા માટે કાર્યરત છે.
આ કાર્યક્રમમાં પ્રાસંગિક સંબોધન કરતા મંત્રી બચુભાઈ ખાબડએ કહ્યું હતું કે, દાહોદની ડેપોની પરિસ્થિતિ પહેલા સારી ન હતી, વાર-તહેવાર અને ધાર્મિક-સામાજિક કાર્યક્રમોમાં બીજા અન્ય જિલ્લાઓમાંથી બસ મંગાવવામાં આવતી હતી. પરંતુ હવે દરેક લોકોની માંગણી મુજબ પહોંચી વળે તેટલી વ્યવસ્થા દાહોદ ડેપો પાસે છે. આ વર્કશોપમાં હવે બસોનું સારી રીતે મેન્ટેનન્સ થશે. જેથી મુસાફરો સારી રીતે મુસાફરી કરી શકે અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે તે માટે એસટી ડેપો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું 2047 નું વિકસિત ભારતનું સ્વપ્ન છે, જેને પૂર્ણ કરવા શહેરો જેવી વ્યવસ્થા ગામડાઓમાં મળી રહે અને ગામડાના ખેડૂતો બહાર મજૂરી અર્થે ન જવું પડે અને ઘરે રહીને ખેતી કરે તે માટે દરેક ખેડૂતના ખેતર સુધી પાણી પહોંચે તે માટેની કામગીરી ચાલી રહી છે.
આ પ્રસંગે સાંસદ જશવંતસિંહ ભાભોરે કહ્યું હતું કે, અનાજ માટેનું ગોડાઉન દાહોદમાં ન હોવાના કારણે દાહોદથી ગોધરા સ્ટોર કરવામાં આવતું હતું, પરંતુ આવનાર સમયમાં દાહોદમાં અધતન ગોડાઉન બનાવીને દાહોદનું અનાજ દાહોદ જિલ્લામાં સચવાય તે માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. એ સાથે દાહોદ જિલ્લાના લોકોને 24 કલાક વીજળી અને પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કામ કરી રહી છે. એસટી ડેપો વર્કશોપના આ લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત દાહોદના પ્રમુખ કરણસિંહ ડામોર, દાહોદ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત દાહોદ શહેર નગરપાલિકાના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, એસટી ડેપો વિભાગના મેનેજર, સ્ટાફ અને દાહોદ શહેરના લોકો હાજર રહ્યા હતા.