EDITORIAL DESK DAHOD.
૨૩૫ બાઇકો સાથે ૪૭૦ નવયુવાઓ મતદાર નોંધણી જાગૃતિ
સંદેશો પહોંચાડવા જોડાયા. બાઇક રેલીનું વિધાર્થીઓ, અગ્રણીઓ, નગરજનો, લોકોએ ભાવભીનું અભીવાદન કર્યુ
ભારતના ચૂંટણીપંચ દ્વારા તા. ૧/૧/૨૦૧૭ની લાયકાતની તારીખના સંદર્ભમાં રાજયની તમામ વિધાનસભા મતવિભાગની મતદારયાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે તે અંતર્ગત દાહોદ જિલ્લાના મતદારોમાં જનજાગૃતિ આવે તે માટે જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરશ્રી.જે.રંજીથકુમારની અધ્યક્ષક્ષતામાં દાહોદ જિલ્લા સેવા સદન ખાતેથી બાઇકરેલી નીકળી હતી.
વરસતા વરસાદના અમીછાંટણા વચ્ચે થનગનતા નવયુવાનો અને તેઓના હાથમાં મતદાર યાદી સુધારણા સંદેશા સાથેના લીધેલ પ્લેકાર્ડ સાથેની બાઇકરેલીને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી જે.રંજીથકુમાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી. સુજલકુમાર મયાત્રા, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.એમ.ડામોર, પ્રાંત અધિકારીશ્રી હસમુખ પટેલ તથા અન્ય અધિકારીશ્રીઓએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી જે.રંજીથકુમારે જણાવ્યું હતું કે આ રેલીનો મુખ્ય ઉદેશ લોકોમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા લાયકાત ધરાવતા નવા મતદારો માટે નામ નોંધણી, નામો કમી કરવા કે ઉમેરવા, નામમાં સુધારણા વગેરેનો જુલાઇ-૨૦૧૭ આખો મહિનાનો ખાસ કાર્યક્રમ લોકો માટે જાહેર કરવામાં આવ્યો છે. તે સંદેશાને જનજન સુધી પહોંચાડી જનજાગૃતિ આવે અને વધુને વધુ લાયક મતદારો નામ નોંધાવી લોકશાહીને મજબૂત કરવા કટિબધ્ધ બને તે માટેનો છે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી સુજલકુમાર મયાત્રાએ રેલીને શુભેચ્છાઓ પાઠવતા મતની મહત્તા અને તેના થકી લોકશાહીની મજબૂતીકરણ અંગે સમજ આપી હતી.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રજાપતિએ સંક્ષપ્તિ સુધારણા કાર્યક્રમની વિગતવાર જાણકારી આપતાં તા. ૯/૭/૨૦૧૭, તા. ૧૬/૭/૨૦૧૭ અને તા. ૨૩/૭/૨૦૧૭ ના રોજ આવતા રવિવારના દિવસોએ ખાસ અભિયાન યોજાશે. આ ત્રણેય દિવસોએ સંબંધિત મતદાન મથકો ખાતે બી.એલ.ઓ સવારના ૧૦=૦૦ થી સાંજના ૬=૦૦ વાગ્યા સુધી હાજર રહી હક્ક-દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારશે. તેનો લાભ લેવા સાથે છેવાડાના વ્યક્તિ સુધી આ સંદેશો પહોંચે તે માટે રેલીમાં જોડાયેલ સૌ કોઇને અપીલ કરી હતી.
દાહોદ શહેર પોલિસ વિભાગના પી.આઇ.શ્રી માનસિંગ ડામોરના રાહબરી અને ટ્રાફિકની વ્યવસ્થા હેઠળ નીકળેલી આ બાઇક રેલી જિલ્લા સેવાસદનથી પ્રારંભ સાથે આઇ.ટી.આઇ- ઓવરબ્રીજ ઉપરથી બસ સ્ટેશન, નગરપાલિકા, પડાવ, બહારપુરા, અનાજ માર્કેટ, ગોંવિંદનગરવાળા રસ્તે થઇ ચાકલીયા રોડ, અન્ડબ્રીજ, ગોદીરોડ થઇ આઇ.ટી.આઇ પરત જિલ્લા સેવા સદન ખાતે શાંતિમય વાતાવરણમાં સંપન્ન થઇ હતી.
આ રેલીનું આઇ.ટી.આઇ.ના તાલમાર્થીઓ, કોલેજના વિધાર્થીઓ, દાહોદ અનાજ મહાજન સોસાયટી સંચાલિત શૈક્ષિણક સંકુલના વિધાર્થીઓ, નગરપાલિકા ખાતે નગરપાલિકા પ્રમુખસુશ્રી સંયુક્તાબેન મોદી, સી.ઓ.શ્રી રાયચંદાનીએ તથા કાઉન્સિલરશ્રીઓ, શહેરના અગ્રણીઓ, નગરજનો, લોકો વગેરે એ ભાવભીનું અભિવાદન કર્યુ હતું.
આ રેલીમાં પોલીસ જવાનો પોલિસના ડ્રેસમાં એન.એસ.એસ. અને એન.સી.સી.ના વિધાર્થીઓ તેઓના ગણવેશમાં, તાલીમાર્થીઓ, કોલેજના વિધાર્થીઓ, શિક્ષકો, પ્રશાસનના તથા નગરપાલિકાના કર્મયોગીઓ સહિતની ૨૩૫ બાઇક સાથે ૪૭૦ ઉપરાંત જવાનો વ્હાઇટ શર્ટ, ટીશર્ટ-હેલ્મેટ , બેનર સહિતના સંદેશા સાથે ઉત્સાહભેર જોડાયા હતા.
૦૦૦૦૦૦૦