દાહોદ જિલ્લા પંચાયત દ્રારા જિલ્લા પંચાયત ખાતે રૂા. ૮૨.૧૭ લાખના ખર્ચે તૈયાર થયેલ આરોગ્ય વિભાગના ડ્રગ્સ સ્ટોરનું લોકાર્પણ રાજયના આરોગ્ય-પરિવાર કલ્યાણ, શહેરી ગૃહ નિર્માણ અને વાહન વ્યવહાર રાજયમંત્રી શંકરભાઇ ચૈાઘરીના હસ્તે પ્રજાસત્તાક દિને કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજયમંત્રી શંકરભાઇ ચૈાઘરીએ જણાવ્યું હતું કે જિલ્લાના ૮૫ કેન્દ્રો તથા સબ સેન્ટર ખાતે આવતા ગરીબ દર્દીઓને મફત નિદાન, સારવાર, જિલ્લાના નવજાત શિશુથી લઇ ૭ વર્ષ સુધીના તમામ બાળકોને મફત રસીકરણ કામગીરી અંતર્ગત સમયસર આવશ્યક દવાઓ, વેકસીન તથા જરૂરિયાત મુજબના મેડીકલ સાધન સામગ્રીનો સ્ટોરેજ કરી સમયસર લાભાર્થી સુધી પુરવઠો પહોંચાડી શકાશે. જેનો લાભ આ વિસ્તારની ગરીબ પ્રજાને ઝડપથી મળશે. જેબદલ મંત્રીશ્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં સાંસદ જશવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રમીલાબેન ભુરીયા, પૂર્વ ધારા સભ્યશ્રી મહેશભાઇ ભુરીયા, જિલ્લા વિકાસ અધિકારી સતિષ પટેલ, નિવાસી અધિક કલેકટર કે.જે.ર્બોડર, ગાંધીનગર, આરોગ્ય વિભાગના અધિકારી ધનલક્ષ્મીબેન રાઠોડ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે.જે.પંડ્યા, જિલ્લાના પદાધિકારીઓ-અધિકારીઓ, કર્મચારી ગણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.