અધિકારીઓ એકબીજાના સંકલનમાં રહીને કાર્યક્રમને સફળ બનાવીએ – જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે
દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને આવનાર સમયમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન અન્વયે તે માટેની વિશેષ તકેદારી તેમજ તૈયારીના ભાગરૂપે બેઠક યોજવામાં આવી હતી. જેમાં વહીવટી તંત્ર દ્વારા અધિકારીઓને આપવામાં આવતી સૂચનાઓને ફોલોઅપ કરવા માટે સતર્ક રહી કામગીરી કરવા જણાવ્યું હતું.
આ બેઠક દરમ્યાન કલેકટર યોગેશ નિરગુડેએ સ્ટેજ સુશોભન, ડોમની વ્યવસ્થા, લોકોને પ્રાથમિક સુવિધાઓમાં અગવડતા ન પડે, બદલાતા વાતાવરણને ધ્યાને રાખીને આગોતરા પ્લાનિંગ દ્વારા તેમજ અધિકારીઓને એકબીજાના સંકલનમાં રહીને વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. પાર્કિંગ, શૌચાલય, પીવાના પાણીની વ્યવસ્થા કરવાની સાથોસાથ તેમજ પોલીસ વિભાગ, ફાયર ટીમ અને આરોગ્ય ટીમને ઇમરજન્સીના ભાગરૂપે ખડેપગે રહેવા માર્ગદર્શન સહિત સૂચના આપી હતી. આ સમયમાં અધિકારીઓ પોતાના લેવલથી પુરી તૈયારી રાખે અને યોજાનાર કાર્યક્રમની સમયસર તૈયારીઓ પૂર્ણ થઇ જાય એ માટે સોંપવામાં આવેલ કામગીરીની ગંભીરતા સમજી કામગીરી કરવા જણાવાયું હતું. વડાપ્રધાનના આગમનથી લઇને એમના પ્રસ્થાન કરવા સુધીની તમામ જવાબદારી સતર્કતા અને એલર્ટ રહીને નિભાવવાની રહેશે એમ જણાવ્યું હતું.
આ મિટિંગ દરમ્યાન કલેકટર યોગેશ નિરગુડેએ અધિકારીઓ સહિત રેલ્વે વર્કશોપની પણ મુલાકાત લીધી હતી, જેમાં વર્કશોપ પર કરવામાં આવી રહેલ કામગીરી તેમજ તૈયાર કરેલ એન્જીનનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમ્યાન રેલ્વે અધિકારી દ્વારા એન્જીન અને વર્કશોપ અંગેની માહિતી આપવામાં આવી હતી.
આ બેઠક દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, પોલીસ અધિક્ષક ડો રાજદીપસિંહ ઝાલા પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્રસિંહ મિણા, નિવાસી અધિક કલેકટર જે.એમ. રાવલ, પ્રાંત અધિકારીઓ દાહોદ રેલ્વે વર્કશોપ મેનેજર મનીષકુમાર ગોયલ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.