સરકારની રમત ગમતને પ્રોત્સાહક નીતિઓ થકી દેશને ઉત્તમ ખેલાડીઓ મળી રહ્યાં છે – સાંસદ જશવંતસિંહ ભાભોર
સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા આયોજીત સાંસદ ખેલ સ્પર્ધા (લોકસભા) નો ઝાલોદ તાલુકાના એસ.આર.પી. ગ્રુપ પાવડી ખાતે સાંસદ જશવંતસિંહ ભાભોરએ પ્રારંભ કરાવ્યો હતો. આ ખેલ સ્પર્ધા maસાંસદ સહિતના મહાનુભાવોએ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સાંસદ શ્રી એ સરકારની રમત ગમતને પ્રોત્સાહક નીતિઓ થકી દેશને ઉત્તમ ખેલાડીઓ મળી રહ્યાં હોવાનું જણાવ્યું હતું.
આ પસંગે સાંસદ જશવંતસિંહ ભાભોરએ જણાવ્યું કે, અત્યારે ખેલાડીઓને જે રીતનું ઇજન મળી રહ્યું છે ગત ઓલમ્પિક કરતા પણ વધુ સારૂ પ્રદર્શન કરીને ખેલાડીઓ દેશને મેડલ મેળવી આપશે તેવો વિશ્વાસ સાંસદએ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ખેલ મહોત્સવના આયોજન થકી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશમાં અનેક નવા ખેલાડીઓને પ્લેટફોર્મ પુરૂ પાડયું છે. સાંસદ ખેલ સ્પર્ધા થકી પણ વિવિધ સાંસદ મત વિસ્તારોમાં રમત ગમત અને ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પ્રાચીન ગ્રંથોમાં વર્ણવામાં આવેલી ૭૨ અને ૬૪ કળાઓમાં ખેલનુ પણ સ્થાન છે. ત્યારે રમત ગમતની આ કળામાં આપણા ખેલાડીઓ ઉત્તમ પ્રદર્શન કરે એ માટે સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
વધુમાં સાંસદ એ જણાવ્યું કે, દાહોદનાં ખેલાડીઓ ખૂબ પ્રતિભાશાળી છે તેઓ રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ ઉત્તમ પ્રદર્શન કરીને દાહોદને ગૌરવ અપાવ્યું છે. વિધાનસભા કક્ષાની રમતોમાં પણ ખેલાડીઓએ ઉત્તમ પ્રદર્શન કર્યું છે, ત્યારે આજની રમત સ્પર્ધામાં તેઓ સુંદર પ્રદર્શન કરે તેવી શુભેચ્છાઓ સાંસદ જસવંતસિંહ ભાભોરે આપી હતી. આ કાર્યક્રમમાં મહાનુભાવોએ ઉત્તમ પ્રદર્શન કરનારા ખેલાડીઓનું મંચ ઉપરથી બહુમાન કર્યું હતું. મહાનુભાવો એ વિવિધ સ્પર્ધાઓનો પ્રારંભ કરાવ્યો હતો અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
આ વેળા, ઝાલોદ તાલુકા ધારાસભ્ય મહેશભાઇ ભૂરિયા, જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા, પ્રાંત અધિકારી એ.કે. ભાટિયા સહિત જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, સહિતના અગ્રણીઓ તેમજ ખેલાડીઓ, નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.


