દેશમાં કોરોના વાયરસ લઈને આગમચેતીના ભાગરૂપે હાલમાં સમગ્ર દેશમાં ૨૧ દિવસ માટે લોકડાઉન કરી દેવામાં આવ્યું છે અને આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રાખવાનો સરકારે આદેશ કરેલ છે. ત્યારે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ગામમાં અવશ્યક ચીજવસ્તુની દુકાન ધરાવનાર દુકાનદાર દ્વારા લોકડાઉન દરમ્યાન વધુ નફો રળી લેવાની લ્હાયમાં ગ્રાહકો પાસેથી દૂધની થેલીના નિર્ધારિત કિંમત કરતાં વધુ કિંમત લેવાતી હોવાની ગરબાડા મામલતદારને ફરીયાદ મળતા ગરબાડા મામલતદારે આ બાબતે તપાસ કરતાં હકીકત સાચી જણાતા ગરબાડા મામલતદાર દ્વારા સદર દુકાન સીલ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, આજે તા.૨૮/૦૩/૨૦૨૦ ને શનિવાર ના રોજ ગરબાડા મામલતદાર સહિતની ટીમ ગરબાડા તાલુકાના જેસાવાડા વિસ્તારમાં ફેરણીમાં હતી તે દરમ્યાન ગરબાડા મામલતદારની ટીમને મૌખિક ફરીયાદ મળી હતી કે, જેસાવાડામાં આવેલ પંચામૃત ડેરીની એજન્સી ધરાવનાર શિષ્પી સરોજબેન રતિલાલનાઓ દૂધની થેલી અમૂલ સ્લીમ એન્ડ ટ્રીમ પ૦૦ મીલીના ₹.૧૯/- ની જગ્યાએ ₹.૨૫/- તથા ₹.૨૮/- ની જગ્યાએ ₹.૩૫/- લેતા હોવાની ફરીયાદ મળેલ હતી. જે ફરીયાદ આધારે ગરબાડા મામલતદારની ટીમે કચેરીના કર્મચારી પ્રવિણભાઈ બામણીયાને ડમી ગ્રાહક બનાવી દૂધ લેવા મોકલતા ડમી ગ્રાહક પાસેથી પણ દૂધની થેલીના નિર્ધારિત કિંમત કરતાં વધુ કિંમત લેતા સદર ફરિયાદ સાચી હોવાનું ગરબાડા મામલતદારને જણાઈ આવતા આજ રોજ સદર દુકાનને સીલ કરવામાં આવેલ છે.