ગરબાડામાં છ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરી તેની હત્યા કરાતા દુષ્કર્મીને જલ્દી ફાંસીની સજા થાય તેવી માંગણી સાથે ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાની આગેવાનીમાં ગરબાડામાં રેલી કાઢી મામલતદારને આવેદન પત્ર આપ્યું. ગરબાડામાં ગત તારીખ ૦૧ ફેબ્રુઆરી ૨૦૨૦ ના રોજ છ વર્ષની માસૂમ બાળકી ઉપર તેના કુટુંબી મામાએ દુષ્કર્મ આચરી તેની હત્યા કરી દેવાની ઘટના બની હતી. આ ઘટનાના પડઘા સમગ્ર તાલુકામાં પડ્યા હતા અને જે પડઘા હજી સુધી શમ્યા નથી. આ ઘટના લઈને આજ રોજ ગરબાડા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાની આગેવાનીમાં વિવિધ સમાજની ૩૦૦ જેટલી મહિલાઓ ભેગી થઈ ગરબાડા ગામમાં ગરબાડા તળાવથી મામલતદાર કચેરી સુધી રેલી કાઢી હતી અને ગરબાડા મામલતદારને આવેદન પત્ર આપ્યું હતુ. ગરબાડા ગામની તેમજ આજુબાજુના વિસ્તારોની ૩૦૦ જેટલી મહિલાઓએ આજે હાથમાં બેનરો, પોસ્ટરો અને સૂત્રોચ્ચાર સાથે ગરબાડા ગામમા રેલી કાઢી હતી. જેમાં બળાત્કારીઓને ફાંસી આપો, મહિલાઓની સુરક્ષા વધારો, ભાજપ તારા રાજમાં દારૂના અડ્ડા બંધ કરો જેવા સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી ગરબાડા મામલતદાર ઓફિસે જઈ મામલતદારને આવેદન પત્ર આપી આ દુષ્કર્મીને જલ્દી સજા મળે અને તેને ફાંસી થાય તેવી માંગણી સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
આવેદન પત્રમાં જણાવ્યુ હતું કે, ગરબાડા તાલુકાનાં ગરબાડા ગામે તારીખ.૦૧/૦૨/૨૦૨૦ શનિવારના રોજ છ વર્ષની માસુમ બાળકી ઉપર દુષ્કૃત્ય કરી તેને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં શોકની લાગણી અને ગમગીની છવાઈ ગયેલ હોઈ, આ સમગ્ર ઘટનાને દુ:ખદ ગણાવી દિકરીને ન્યાય મળી રહે અને ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચાલે અને દુષ્કર્મીને ત્વરીત ફાંસીની સજા થાય અને આવી ઘટના ફરી ન બને અને ન્યાય માટે સમગ્ર સમાજની મહિલાઓ દ્વારા આજ તા.૦૭/૦૨/૨૦૨૦ ના રોજ ગરબાડા તળાવથી મામલતદાર કચેરી સુધી રેલી નીકાળી માસુમ બાળકીની આત્માને શાંતી મળે એ માટે ત્વરીત ન્યાયની માંગ સાથે આપ સાહેબશ્રીને આવેદન પત્ર આપવામાં આવે છે.