- મરણ જનાર નઢેલાવ ગામની યુવતીના લગ્ન એક વર્ષ અગાઉ ઝરી ખરેલી ગામે થયા હતા.
- પતિની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરતી ગરબાડા પોલીસ
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ઝરીખરેલી ગામમાં તું મને ગમતી નથી, મારે તને રાખવી નથી તેમ કહી પતિ એ જ પોતાની પત્નીને ગળે ટુપો દઈ મોતને ઘાટ ઉતારવાની ઘટના બનતા સમગ્ર પંથક ભારે ચકચાર મચી જવા પામી હતી. આ ઘટના સંદર્ભે મરણ જનાર યુવતીના પિતા દ્વારા ગરબાડા પોલીસ મથકે કાયદેસરની ફરીયાદ નોંધાવતાં ગરબાડા પોલીસ દ્વારા મૃતક યુવતીના પતિની અટક કરી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે યુવતીની લાશને પોસ્ટમર્ટમ માટે ગરબાડાના સરકારી દવાખાને મોકલવામાં આવી હતી.
પોલીસ વિભાગ દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર, ગરબાડા તાલુકાના નઢેલાવ ગામના આંબલી ફળિયામાં રહેતા મલસીંગભાઈ માનસીંગભાઈ ભાભોરની ૨૨ વર્ષીય પુત્રી શીતલ કે જેના લગ્ન એક વર્ષ અગાઉ ગરબાડા તાલુકાના ઝરીખરેલી ગામના પરેશભાઈ હેમરાજ કટારા સાથે થયા હતા અને લગ્ન બાદ થોડો સમય શીતલ ઘરે રહેલ ત્યારબાદ તે તેના પતિ સાથે મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામે ધંધો મજૂરી કરવા માટે ગયેલ અને વાર તહેવારે તે તેના પિતાના ઘરે આવતી-જતી હતી. શીતલ જ્યારે પણ તેના પિતાના ઘરે આવતી ત્યારે કહેતી કે મારો પતિ મારી સાથે પત્ની તરીકેનો સંબંધ રાખતો નથી અને તું મને ગમતી નથી, મારે તને રાખવી નથી તેમ કહી બોલાચાલી કરે છે તેમ જણાવતી હતી. તેમ છતા શીતલના પિતા તેને પરત તેના પતિ પાસે મોકલી આપતા હતા. હાલમાં હોળીના તહેવાર ઉપર શીતલના પિતા ખેરાલુ ગામે શીતલને તેડવા ગયેલ અને તેડી ઘરે લાવ્યા હતા. તે સમયે પણ શીતલે પતિ સંબંધ રાખતો નહીં હોવાની વાત ફરી દોહરાવી હતી. શીતલ ૧૫ દિવસ તેના પિતાના ઘરે રોકાયેલ ત્યારબાદ જમાઈ પરેશભાઈ તેને તેડવા આવેલ જેથી શીતલના પરિવારજનોએ આ વખતે ભાંજગેડીયાને બોલાવેલ અને તેમણે તમામ હકીકત કહી હતી. જેથી ભાંજગેડીયા જમાઈ પરેશને કહેલ કે તમો છોકરી શીતલ સાથે કેમ સંબંધ રાખતા નથી, તમને કોઈ તકલીફ હોય તો અમને વાત કરો તો અમો તમોને કઈ દવાદારૂ કરાવીએ તેમ કહેતા પરેશભાઈએ કોઈ તકલીફ નથી તેમ કહેલ અને હવે પછી શીતલ સાથે સારો સંબંધ રાખીશ તેમ કહેતા શીતલના પરિવારજનોએ શીતલને તેના પતિ સાથે સાસરીમાં મોકલી આપેલ. ત્યાર બાદ કોરોના વાયરસના પગલે છોકરી જમાઈ કામે ગયેલ ન હતા અને ઘરે જ રહેતા હતા. તે દરમ્યાન શીતલ ઘરે ફોન કરી પરિવારજનો સાથે વાતચીત કરતી હતી. તા.૧૩/૦૪/૨૦૨૦ ના રોજ બપોરના બાર વાગ્યાના સુમારે પણ શીતલે ફોનથી તેના ભાઈ વિકેશ સહીત પરિવારજનો સાથે વાતચિત કરી હતી ત્યારબાદ સાંજના સાતેક વાગ્યાના અરસામાં જમાઈ પરેસનો ફોન શીતલના ભાઈ વિકેશ ઉપર આવેલ અને કહેલ કે, શીતલને કઈક થઈ ગયું છે અને ૧૦૮ મારફતે તેને ગરબાડા દવાખાને લઈ જઇયે છીએ. જેથી શીતલના પરિવારજનો તાત્કાલિક ગરબાડાના સરકારી દવાખાને પહોંચ્યા હતા જ્યાં તેઓને શીતલની લાશ જોવા મળી હતી. જેના ગળા ઉપર લાલાશ પડતો કાપો જોવા મળ્યો હતો. આ બાબતે મૃતક શિતલના પિતા મલસીંગભાઈ માનસીંગભાઈ ભાભોર દ્વારા ગરબાડા પોલીસ સ્ટેશનમાં જમાઈ પરેશભાઈ હેમરાજ કટારા વિરુદ્ધ કાયદેસરની ફરીયાદ નોંધવવામાં આવી છે અને ફરીયાદમાં જણાવવામાં આવ્યું છે કે, તા.૧૩/૦૪/૨૦૨૦ ના રોજ સાંજના સાતેક વાગ્યાના સુમારે મારી છોકરી શીતલબેનને મારા જમાઈ પરેશભાઈ કટારા મારી છોકરીને બૈરી તરીકે રાખતો ન હોય અને તું મને ગમતી ન હોય તેમ કહી અવારનવાર બોલાચાલી કરતો હોવાથી તેની અદાવત રાખી તેને ઘરમાં કોઈ કપડાથી ગળે ટુપો આપી મારી નાંખેલ છે. આ ઘટના સંદર્ભે ગરબાડા પોલીસે શીતલના પતિ પરેશભાઈ હેમરાજ કટારાની અટક કરી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.