દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના સાહડા ગામના રહીશ ૩૭ વર્ષીય ભારતસિંહ વાલાભાઈ ગણાવા ગઇ કાલે તા.૧૯/૦૯/૨૦૧૯ ને ગુરુવારના રોજ સાંજે પાંચેક વાગ્યે તેમના ખેતરમાં ગયા હતા અને તેઓ કેનાલવાળા રસ્તા ઉપરથી તેમના ઘરે આવતા હતા ત્યારે કેનાલવાળા કાચાં રસ્તા તથા કેનાલ ઉપરથી પસાર થતી ૧૧ કે.વી.વીજ લાઇનનો તાર થાંભલા ઉપરથી તૂટીને કેનાલવાળા રસ્તા ઉપર પડેલો હોઇ અને તૂટેલા તારમાં વીજ પ્રવાહ ચાલુ હોઇ અને રાત્રે અંધારું હોવાથી ભારતસિંહ વાલાભાઈ ગણાવા તેમના ઘરે આવતી વખતે ૧૧ કે.વી.ના ચાલુ વીજ પ્રવાહવાળા જીવંત વીજ તારના અકસ્માતે સંપર્કમાં આવી જતાં તેઓને વીજ કરંટ લાગતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. આ બનાવ બનતા ઘટના સ્થળે લોકટોળા જામ્યા હતા.
સવારે છએક વાગ્યે શંકરભાઈ પ્રતાપભાઈ રાઠોડનાએ ભારતસિંહના ભાઈ મડુભાઈને આ બાબતે જાણ કરતાં મૃતક ભારતસિંહ પરિવારજનોએ ઘટના સ્થળે આવીને જોયેલ તો ભારતસિંહ કેનાલ ઉપર મૃત હાલતમાં પડેલા હતા અને ત્યાં ઉપર થઈને પસાર થતી ૧૧ કે.વી. વીજ લાઇનનો તાર તૂટીને તેમની બાજુમાં પડેલા હતો. આ બાબતે મૃતક ભારતસિંહ વાલાભાઈ ગણાવાના ભાઈ મડુભાઈ ગણાવાએ ગરબાડા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી અને ભરતસિંહ ગણાવાની લાશને પોસ્ટમર્ટમ માટે મોકલી આપી હતી.