Thursday, January 23, 2025
Google search engine
HomeJhalod - ઝાલોદદાહોદ જિલ્લાના ઝાલોદમાં પૂ. ઠક્કર બાપાની ૧૫૦મી જન્મ જયંતીમાં સહભાગી બની ભાવાંજલિ...

દાહોદ જિલ્લાના ઝાલોદમાં પૂ. ઠક્કર બાપાની ૧૫૦મી જન્મ જયંતીમાં સહભાગી બની ભાવાંજલિ આપતા મુખ્યમંત્રી, પૂ. મોટાની પ્રતિમાનું અનાવરણ

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

  • આદિવાસીઓ ગરીબોની સેવામાં જીવન સમર્પિત કરનારા વિરલ પુરુષોથી જ ગુજરાત સુશોભિત પ્રતિષ્ઠિત છે. : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી : પૂ. ઠક્કર બાપા અને પૂ. મોટાએ શરૂ કરેલી આશ્રમ શાળાઓને કારણે અનેક આદિવાસી બાળકો રચનાત્મક શિક્ષણ મેળવી શક્યા છે.
  • આદિવાસી વિસ્તારોમાં શિક્ષણનું મહાકાર્ય કરતી આશ્રમ શાળાઓના વિકાસ માટે રાજ્ય સરકાર શકય તમામ પ્રયત્નો કરશે.
  • રાજ્યમાં માવઠાથી થયેલા નુકસાન અંગે આપવામાં આવેલી અત્યાર સુધીની ૩૦ વર્ષની સહાયના કુલ સરવાળા કરતા પણ વધુ આ વર્ષે રૂ. ૩૮૦૦ કરોડનું ખેડૂતોને રાહત પેકેજ.
  • પેસા એક્ટનો અમલ કરી આદિવાસીઓને તેમના અધિકાર આપ્યા છે.
  • વન બંધુ કલ્યાણ યોજનામાં ૯૦ હજાર કરોડ આદિવાસી વિસ્તારના વિકાસમાં વાપર્યા છે.
  • મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, જનસેવા થકી નામના મેળવનારા વિરલ વ્યક્તિત્વથી જ ગુજરાત ઉજળું છે. આઝાદી માટે અમૂલ્ય યોગદાન આપનારા ગાંધીજીના વિચારોથી રંગાયેલા અનેક લોકોએ સ્વતંત્રતા પછીના ભારતનો પાયો તે જ સમયે જ રોપી દીધો હતો અને તેમાં પૂ. ઠક્કર બાપા જેવા સેવાના ભેખધારીઓએ પોતાનું સમગ્ર જીવન લોકસેવામાં સમર્પિત કરી દીધું હતું.

દાહોદ જિલ્લાના ઝાલોદ સ્થિત ટીટોડી કુમાર આશ્રમ શાળા ખાતે પૂ. ઠક્કર બાપાની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહભાગી બન્યા હતા.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યું કે, પૂ. ઠક્કર બાપા જેવા અનેક મહાનુભાવો ગાંધીજીના વિચારોથી અભિભૂત થઇ લોકસેવાના મહાન કાર્યમાં જોડાયા હતા. તેમાં અંબાલાલભાઇ વ્યાસ પણ હતા. તેમણે ૧૯૨૩માં ટીટોડી ખાતે કુમાર આશ્રમ શાળાનો પ્રારંભ કર્યો હતો. તે સમયે ટાંચાના સાધનો થકી આદિવાસી વિસ્તારમાં શિક્ષણ અને સમાજ સેવાનો યજ્ઞ આરંભ્યો હતો. આજે તેના પરિણામે આ વિસ્તારનો સમાજ શિક્ષિત બન્યો છે. શ્રી અંબાલાલ વ્યાસની સેવા માત્ર પંચમહાલ વિસ્તાર પૂરતી સીમિત ન રહેતા, છેક હાલના પાકિસ્તાન-સિંધના થરપારકર અને નગરપારકર ઉપરાંત ઓરિસ્સામાં પણ લોકસેવાના તેઓ પ્રહરી બન્યા હતા.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, વર્તમાન સમયે આ વિસ્તારમાં ૪૫ જેટલી આશ્રમ શાળાઓ ચાલી રહી છે અને આદિવાસી બાળકોને શિક્ષણ સાથે રચનાત્મક શિક્ષણ આપવાનું કાર્ય કરી રહી છે. આવી આશ્રમ શાળાઓને રાજ્ય સરકાર દ્વારા રૂ. ૬ કરોડની સહાય આપવામાં આવી રહી છે. આશ્રમ શાળાઓ સામાજિક ચેતનાનું કેન્દ્ર હતા. આદિવાસી બાળકોના ચારિત્ર્ય નિર્માણમાં આશ્રમ શાળાઓની ભૂમિકા મહત્વની રહી છે. રાજ્ય સરકાર આશ્રમ શાળાના વિકાસ માટે કટિબદ્ધ છે અને આધુનિક યુગના મુખ્ય પ્રવાહમાં તેમને જોડવા માટે સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે.

વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે આશ્રમ શાળામાં અભ્યાસથી બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે અને તેમને સંસ્કારિતા સાથે ગુણાત્મક શિક્ષણ મળે છે. આશ્રમ શાળાનો અંતેવાસી બાળક પાયાનું શિક્ષણ મેળવી કૌશલ્યવાન બને છે. તેથી આવી રચનાત્મક પ્રવૃત્તિ ચાલતી રહે તેની ફરજ રાજ્ય સરકારની બને છે. મુખ્યમંત્રી વિજયભાાઈ રૂપાણીએ વનબંધુ કલ્યાણ યોજનાની વિશદ ભૂમિકા આપતાં જણાવ્યું કે આ યોજના અંતર્ગત આદિવાસીઓના વિકાસ માટે રૂ. ૯૦ હજાર કરોડ ખર્ચવામાં આવ્યા છે. અંબાજીથી ઉમરગામ સુધીના વિસ્તારમાં રસ્તા, પાણી, કૃષિ, વીજળી અને આરોગ્ય સેવાઓ વધુ બહેતર બનાવવામાં આવી છે. બે દાયકા પહેલા ગુજરાતમાં માત્ર ૮ મેડિકલ કોલેજ હતી, તેની સાપેક્ષે આજે ગુજરાતમાં ૨૯ મેડિકલ કોલેજ અને તેમાં ૫૫૦૦ બેઠકો છે. દાહોદનો કોઇ તેજસ્વી છાત્ર ડોકટર બની સ્થાનિક લોકોની આરોગ્યલક્ષી સેવા કરે એવી સરકારની નેમ છે. આદિવાસી યુવાનો કૌશલ્યવાન બને એ માટે પણ સરકાર તત્પર છે. પેસા એક્ટનો અમલ પણ આ સરકારે કરી આદિવાસીઓને તેમના અધિકાર આપ્યા છે

તેમણે એમ પણ કહ્યું કે, ગત દીવાળી દરમિયાન પડેલા વરસાદ થી ખેડૂતોને નુકસાન થયું છે અને તે બાબતની રાજ્ય સરકારને ચિંતા છે. એટલા માટે જ પાછલા ત્રીસ વર્ષ દરમિયાન માવઠાથી થયેલા નુકસાન અંગે આપવામાં આવેલી સહાયના કુલ સરવાળા કરતા પણ વધુ આ વર્ષે રૂ. ૩૮૦૦ કરોડનું રાહત પેકેજ ખેડૂતોને આપવામાં આવ્યું છે.
આ ડિસેમ્બર સુધીમાં નુકસાનગ્રસ્ત ખેડૂતોની વિગતો ઓન લાઇન થઇ જાય પછી તુરંત જ સહાયનું વિતરણ શરૂ કરી દેવામાં આવશે. એથી ખેડૂતોએ કોઇ જ પ્રકારની ચિંતા કરવાની જરૂરત નથી, એવું આશ્વાસન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આપ્યું હતું.

રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે પૂજ્ય ઠક્કર બાપા અને પૂજ્ય મોટાએ આદિવાસી વિસ્તારમાં આરંભેલા શિક્ષણ યજ્ઞના પરિણામે અનેક બાળકો પોતાનું જીવન બહેતર બનાવી શક્યા છે. પૂ. મોટાએ ૨૦ વર્ષ સુધી સતત કાર્યરત રહી અહીંના દુર્ગમ વિસ્તારોમાં આશ્રમ શાળાઓની સ્થાપના કરી હતી. તેમણે આદિવાસી વિસ્તારમાં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વિવિધ યોજનાઓની માહિતી પણ પ્રસ્તુત કરી હતી.
સાંસદ જસવંતસિંહ ભાભોરે કહ્યું કે, ગુજરાત સરકારની નિર્ણાયક શક્તિના પરિણામે વિકાસ ફાસ્ટ ટ્રેક પર ચાલી રહ્યો છે. વંચિતોના વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાનો તેના પરથી ખ્યાલ આવે છે. ભીલ સેવા મંડળની શિક્ષણ અને સેવા પ્રવૃત્તિને કારણે અનેક લોકો ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરી શક્યા છે.
સંસ્થાના પ્રમુખ શાંતિભાઇ નિનામાએ શાબ્દિક સ્વાગતમાં કહ્યું જૂના પંચમહાલ જિલ્લાના આદિવાસીઓમાં શિક્ષણ અને સંસ્કારના પૂ. ઠક્કર બાપા અને શ્રી અંબાલાલભાઇ વ્યાસે શ્વાસ ફૂંક્યા હતા. આ બન્નેએ શિક્ષણ અને સભ્યતાનો પ્રકાશ પાથર્યો હતો. જેના કારણે આ વિસ્તારના સમુચિત વિકાસ સાથે સનદી સેવાના અધિકારીઓ, પોલીસ સેવાના અધિકારીઓ, સામાજિક કાર્યકરો, તબીબો, ઇજનેરો જેવી પ્રતિભાઓ સમાજને મળી છે. ભીલ સેવા મંડળ દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિનો ચિતાર તેમણે આપ્યો હતો.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કાર્યક્રમના પ્રારંભે શ્રી અંબાલાલ વ્યાસ ‘પૂ. મોટા’ની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું અને બાદમાં આશ્રમ શાળાના પ્રાંગણમાં આવેલા ભગવાન શ્રી રામના મંદિરના દર્શન કર્યા હતા. પૂ. મોટાના પરિવારજનો સાથે પણ તેમણે શુભેચ્છા મુલાકાત કરી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભીલ સેવા મંડળની વિવિધ શાળાના પૂર્વ છાત્રો એવા સમાજમાં નામના મેળાનારા મહાનુભાવોનું સન્માન કર્યું હતું. સાથે જ તેમણે ભીલ સેવા મંડળના પૂર્વ પ્રમુખ શ્રી નરસિંહભાઇ હઠીલા અને સ્વામી માર્ગીય સ્મિતજીને તેમની સમાજસેવા બદલ સન્માનિત કર્યા હતા. મહાનુભાવોના હસ્તે તેજસ્વી છાત્રોનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું. આશ્રમ શાળાના છાત્રો દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતી કરવામાં આવી હતી. આ વેળાએ જિલ્લા પંચાયતના પ્રમુખ યોગેશભાઇ પારગી, ધારાસભ્ય ભાવેશભાઇ કટારા, રમેશભાઇ કટારા, ચંદ્રિકાબેન બારિયા, શૈલેષભાઇ ભાભોર, વજેસિંહભાઇ પણદા, અગ્રણી શંકરભાઇ અમલિયાર, અમિતભાઇ ઠાકર, પૂર્વ સાંસદ શ્રીમતી પ્રભાબેન તાવિઆડ, પૂર્વ વિધાયક મહેશભાઇ ભૂરિયા, ભીલ સેવા મંડળના પરથિંગભાઇ મુનિયા, મંત્રી મુકેશભાઇ પરમાર, સંચાલક મંડળના સભ્યો, રેન્જ આઇજી, કલેક્ટર વિજય ખરાડી, જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર, પૂર્વ છાત્રો સહિત ગ્રામજનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments