ધોરણ – ૧ માં ૯૦ તથા આંગણવાડીમાં ૫૪ બાળકોને શાળા પ્રવેશ કરાવતા દંડક રમેશભાઈ કટારા
બાળકોના શ્રેષ્ઠ શિક્ષણ માટે શિક્ષકો સહિત ગ્રામજનોની પણ જવાબદારી છે: દંડક રમેશભાઈ કટારા
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કાળીમહુડી, રુખડી અને કારઠ પ્રાથમિક શાળામાં ગુજરાત સરકારના દંડક રમેશભાઈ કટારાનાં અધ્યક્ષ સ્થાને કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. જેમાં દંડક રમેશભાઈ કટારાએ ધોરણ – ૧ માં ૯૦ તથા આંગણવાડીમાં ૫૪ બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરી તેમનો શાળા પ્રવેશ કરાવ્યો હતો. તેમજ ગત વર્ષે શ્રેષ્ઠ પરિણામ લાવનારા શાળાના વિધાર્થીઓને પુસ્તક અર્પણ કરી સન્માનિત કર્યાં હતાં. આ પ્રસંગે દંડક રમેશભાઈ કટારાએ જણાવ્યું હતું કે કોરોનાના સમય માં શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં થઈ શક્યા ન હતા. શિક્ષકોએ બાળકોને ફળીયે ફળીયે ઓનલાઇન શિક્ષણ કરાવ્યું હતું. શાળામાં પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને શુભેચ્છા આપતા તેમણે ઉમેર્યું કે, વાલીઓ પોતાના બાળકોને નિયમિત શાળામાં અભ્યાસ અર્થે મોકલે. ગામની શાળામાં શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તે માટે શિક્ષકો તો જવાબદાર છે જ પરંતુ ગ્રામજનોએ પણ સહયોગ આપવો પડશે, દેખરેખ રાખવી પડશે તો જ ગામની શાળા શ્રેષ્ઠ શાળા બની રહેશે. રાજ્ય સરકાર બાળકના જન્મથી લઈને તે પગભર બને ત્યાં સુધી સતત પ્રયત્નશીલ રહી કામગીરી કરી રહી છે. શાળા – કોલેજમાં વિનામૂલ્યે ભણતર અને તેનો ખર્ચ સરકાર ઉપાડી રહી છે. પ્રવેશ મેળવતા બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
ઝાલોદ તાલુકાના ત્રણ પ્રાથમિક શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય મહેશભાઇ ભુરીયા દ્વારા દંડક રમેશભાઈ કટારાનું પાઘડી પહેરાવી સાલ ઓઢાડી ચાંદીનું ભોરીયુ પહેરાવીને સ્વાગત કર્યું હતું. શાળાઓમાં કાળી મહુડી પ્રાથમિક શાળાના બાળકોએ આદિવાસી નૃત્ય કરીને ભવ્ય સ્વાગત કર્યું હતું. ગ્રામજનો દ્વારા શાળાઓમાં ખૂટતી સુવિધાઓ બાબતે રજૂઆત કરી હતી. જેમાં દંડક રમેશભાઈએ વિવિધ યોજના હેઠળ તમામ સુવિધાઓ આપવા બાહેધરી આપી હતી. આ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય મહેશભાઇ ભુરીયા, સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી એનીબેન, લાયઝન અધિકારી લાલાભાઇ વળવાઈ, કાળી મહુડી આચાર્ય રોશનીબેન પલાસ, કાળી મહુડી, રૂખડી, અને કારઠ ગામના સરપંચો તાલુકા સભ્ય, દાતાઓ અને મોટી સંખ્યામાં ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સંકલિત બાળ વિકાસ વિભાગ દ્વારા સરકારની યોજનાની કીટ લાભાર્થી મહિલાઓને વિતરણ કરાઇ હતી તેમજ શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.