THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
સમગ્ર દાહોદ જિલ્લામાં ચાલી રહેલા પોષણ અભિયાનના બીજા દિવસે લીમખેડા તાલુકાના દૂધિયા ગામે પોષણ સભા યોજવામાં આવી હતી. જેમાં બાળકોને અન્નપ્રાશન વિધિ, વાનગી નિદર્શન, તંદુરસ્ત બાળ હરિફાઇ અને પાલક વાલી સન્માન સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. પોષણ અભિયાનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ઝાલોદ પ્રાંત અધિકારી એસ. ડી. ચૌધરી એ સર્વ પ્રથમ દૂધિયાની સ્માર્ટ આંગણવાડીની મુલાકાત લીધી હતી અને ત્યાં રહેલા એક અતિકુપોષિત અને ત્રણ કુપોષિત બાળકની કેવી રીતે સાર સંભાળ રાખવામાં આવે છે ? તેની જાત માહિતી મેળવી હતી. તેમણે બાળકો દ્વારા આંગણવાડીમાં કરવામાં આવતી પ્રવૃત્તિને નિહાળી હતી. બાદમાં પ્રતિભાવપત્રક ભર્યું હતું. દૂધિયા ઉત્તર બુનિયાદી પ્રાથમિક શાળા ખાતે યોજાયેલી પોષણ સભામાં તેમણે કહ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ કુપોષિત બાળકો આપણા દાહોદ જિલ્લામાં છે અને એટલે જ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પોષણ અભિયાનનો આપણે ત્યાંથી પ્રારંભ કરાવ્યો હતો. આ કુપોષિત બાળકોને તંદુરસ્ત કરવાની જવાબદારી આપણા સૌની છે. તેમાં વાલીઓનો પણ સહયોગ ખૂબ જ જરૂરી છે.
તેમણે એમ પણ જણાવ્યું કે પોતાને બાળકને આંગણવાડીમાં નિયમિત મોકલવાની દરકાર વાલીઓ રાખે અને સાથે ઘરે પણ બાળક સારી રીતે ભોજન કરે છે કે કેમ ? તેની સંભાળ રાખે. રાજ્ય સરકાર દ્વારા માતા અને બાળકોની ચિંતા કરવામાં આવી રહી છે. ઉક્ત બાબતની વિગતો આપતા ચૌધરી સાહેબે ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા આંગણવાડીની મારફત પોષક આહાર માતા અને બાળકોને આપવામાં આવે છે. તે ખોરાકનું નિયમિત સેવન કરવું જોઇએ. આપણે ત્યાં હિમોગ્લોબિનની ઉણપ હોય તેવી માતાઓના પ્રસુતિના કેસો મોટી સંખ્યામાં આવે છે. જેના કારણે પણ બાળકો તંદુરસ્ત બનતા નથી. તેની દવાખાનામાં જઇ યોગ્ય દવા લેવી જોઇએ. સ્વસ્થ માતા જ તંદુરસ્ત બાળકને જન્મ આપી શકે છે. તેમણે આહારશૈલી બદલવા ઉપર પણ ભાર મૂક્યો હતો.
આ અવસરે મહાનુભાવો દ્વારા વાનગી હરિફાઇ, તંદુરસ્ત બાળક સ્પર્ધામાં વિજેતાઓને ઇનામો આપવામાં આવ્યા હતા. પાલક વાલીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં પોષણ અદાલત નામની એક નાટિકાનું સુંદર મંચન કરવામાં આવ્યું હતું. નાટિકામાં કુપોષિત બાળકના વાલીને એક અદાલતમાં લાવવામાં આવે છે અને તેના પર બાળકને કેવી રીતે પોષણ મળતું નથી, તેના કારણોની છણાવટ કરવામાં આવે છે. આ નાટિકાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. મહિલા અને બાળક કલ્યાણ વિભાગ દ્વારા નિર્મિત બે દસ્તાવેજી ફિલ્મોનું નિદર્શન તથા પોષણ આરતી પણ કરવામાં આવી હતી. આ વેળાએ નાયબ કાર્યપાલક ઇજનેર વી. પી. ખતેડિયા, પદાધિકારી સર્વે, રૂપસિંગભાઇ માવી, મનુભાઇ રામસિંગ, કિરણભાઇ શંભુભાઇ, રસુલભાઇ નિનામા, સીડીપીઓ શ્રીમતી સુમનબેન પટેલ, સુપરવાઇઝર પાયલ નાયક ઉપસ્થિત રહ્યા હતા.