THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
- કોરોના સંક્રમણ સામે જિલ્લા આયુર્વેદ કચેરીનું મહત અભિયાન.
- દોઢ મહિનામાં દોઢ લાખથી પણ વધુ નાગરિકોએ આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનો લાભ લીધો.
- ૮૬ હજાર જેટલા નાગરિકો પાસે કોરોના સંક્રમણ બાબતે જાગૃતિ સંદેશ પેમ્ફલેટસના માધ્યમથી પહોંચતો કર્યો.
કોરોના સંક્રમણ સામું એક રક્ષાકવચની જેમ રોગપ્રતિકારક શક્તિ કામ કરતી હોય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પોતાના રાષ્ટ્રજોગ પ્રવચનમાં નાગરિકોને રોગપ્રતિકારક શક્તિ વધારવા પર ખૂબ ભાર મુકયો છે. આયુષ મંત્રાલયે પણ આયુર્વેદિક અને હોમયોપેથી દવાઓ કોરોના સંક્રમણ સામું ખૂબ અસરકારક હોવાનું જણાવ્યું છે ત્યારે દાહોદ જિલ્લામાં નાગરિકોની રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે અમૃતપેય ઉકાળા, આયુર્વેદિક અને હોમિયોપેથી દવાઓના વિતરણની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે. માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં જોઇએ તો દોઢ લાખથી પણ વધુ નાગરિકોએ આયુર્વેદિક અને હોમિયોપેથી દવાઓનો લાભ લીધો છે. ૮૬ હજાર જેટલા નાગરિકો પાસે કોરોના સંક્રમણ બાબતે જાગૃતિ સંદેશ જિલ્લા આયુર્વેદ કચેરીએ વિવિધ પેમ્ફલેટસના માધ્યમથી પહોંચતો કર્યો છે.
જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. રજનીકાંત પટેલે જણાવ્યું છે કે, જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજના માર્ગદર્શન હેઠળ કોરોના સંક્રમણ સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેની કામગીરી એક અભિયાનની જેમ ચલાવવામાં આવી રહી છે. કોરોના સંક્રમણ સામે આયુર્વેદિક અને હોમિયોપેથી દવાઓ ખૂબ અસરકારક હોય વધુમાં વધુ નાગરિકો સુધી અમૃતપેય ઉકાળા, સંશમની વટી દવા, હોમિયોપેથી દવાનો લાભ પહોંચાડવાનો પ્રયાસ જિલ્લાના આયુર્વેદ અને હોમિયોપેથિક દવાખાનાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. સાથે નાગરિકો સુધી કોરોના સંક્રમણ સામે શું કરવું, રોગપ્રતિકારક શક્તિ વધારવા શું કરવું વગેરે બાબતોની માહિતી આપતા પેમ્ફલેટસનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. ૬ માર્ચ થી ૨૦ એપ્રીલ સુધીમાં આવા કુલ ૮૬,૮૪૯ પેમ્ફલેટસનું વિતરણ કરવામાં આવ્યું છે.
જિલ્લા આયુર્વેદ કચેરીએ આ જ સમયગાળા દરમિયાન એટલે કે દોઢ મહિનામાં ૧,૧૦,૨૦૧ અમૃતપેય ઉકાળાનું વિતરણ કર્યું છે. જયારે ૬,૫૩૯ લોકોને સંશમની વટી દવા વહેંચવામાં આવી છે અને ૪૧,૦૨૨ લોકોને હોમિયોપેથી દવા – આર્સેનીક આલ્બ -૩૦ નું વિતરણ કરવામાં આવ્યું છે.