દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના વાસીયા ડુંગરી ગામે દીપડાએ હુમલો કરતાં 12 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું હતું. બાળકી રમી અને ખેતરના રસ્તે ઘરે જઈ રહેલી ત્યારે આ 12 વર્ષીય બાળકી ઉપર દીપડાએ હુમલો કરતાં બાળકીનું ઘટના સ્થળ પર જ મોત.ગઈ કાલે પણ આજ તાલુકામાં દીપડાએ હુમલો કરતાં એક બાળકીનું મોત નીપજ્યું હતું. માનવ ભક્ષી બની ગયેલા આ દીપડાને પકડવા માટે હાલ વનવિભાગ કામે લાગ્યું છે.
ગઈ કાલે પણ દીપડાએ એક લાકડા વીણવા ગયેલ 9 વર્ષીય બાળકી ઉપર હુમલો કરી અને મોતને ઘાટ ઉતારી હતી. દીપડાના આ ઉપરા છાપરી હુમલાથી ધાનપુર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે, અને ગ્રામ્ય લોકોએ હોબાળો મચાવતા વન વિભાગ હરકતમાં આવ્યું અને તરત જ દીપડાને પાંજરે પૂરવા વન વિભાગે પાંજરા મૂકી કવાયત શરૂ કરી હતી.
વન વિભાગની ટીમનું કહેવું છે કે શિયાળામાં સવાર મોડી અને સાંજ વહેલી પડે છે તે પ્રમાણે લોકોએ પણ ગ્રામ્ય વિસ્તારમાં પોતાનો રોજીંદો કાર્યક્રમ ફેરફાર કરવો પડે કારણકે ધાનપુર, ગરબાડા, દેવગઢબરીયા અને સાગટાળાના જંગલોમાં આજે પણ જંગલી જાનવરો જેવા કે રીંછ, દીપડા, ઝરખ, નીલગાય વગેરે મોટી સંખ્યામાં અસ્તિત્વ ધરાવે છે અને શિયાળામાં ખોરાકની શોધમાં તેઓ ગામોમાં આવી જતા હોય છે અને એકલ દોકલ વ્યક્તિઓને ટાર્ગેટ કરતા હોય છે. લોકો એ પણ થોડું સાવચેત રહેવાની જરૂર છે.