દાહોદ જિલ્લામાં પ્રથમ F.M. RADIO 90.8 નો શુભારંભ, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત રાજય, ગાંધીનગરના સહયોગથી દિવ્યાંગો માટેના ખેલ મહાકુંભ-૨૦૧૮ ને ખુલ્લો તેમજ દાતા દ્વારા મળેલ ₹. ૧૧/ લાખના ખર્ચે તૈયાર થયેલ ભોજન શાળાની તકતીનું અનાવરણ ભારત સરકારના આદિજાતિ વિકાસ રાજય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોરના હસ્તે દાહોદ, બ્લાઇન્ડ વેલફેર કાઉન્સીલ કેમ્પસ, મંડાવાવ રોડ ખાતે કરવામાં આવ્યું હતું.
આ ત્રિવિધિય કાર્યક્રમને દીપ પ્રાગટ્ય અને રીબન કાપીને ખુલ્લો મુકતા કેન્દ્રીય આદિજાતિ રાજ્ય મંત્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા F.M. RADIO 90.8 કોમ્યુનિટી રેડિયો સ્ટેશનની મંજુરી બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલને આપવામાં આવી હતી. તદ્નુસાર સંસ્થાએ આ માટે ખૂબ ઝડપથી પ્રયાસ કરીને ₹. ૭ લાખના ખર્ચે અધતન ટેકનોલોજી સાથે રેડિયો સ્ટેશનને કાર્યાન્વિત કર્યુ છે. જેના થકી ૧૫ થી ૨૦ કિલોમીટરના રેન્જમાં સાંભળી શકાશે. ગ્રામિણ ક્ષેત્રમાં વસતા લોકોને, ખેડૂત ભાઇ – બહેનોને ખેતી વિષયક, આરોગ્ય વિષયક, શિક્ષણ વિષયક, કે યોજનાઓ વિષયક અને કોઇ ઘટના વિષયક જાણકારી ખૂબજ ઝડપથી સાંભળી શકાશે. જિલ્લાના સર્વાંગી વિકાસમાં આ નવું નજરાણું ઝડપ લાવશે.
દિવ્યાંગો દેશ અને તેના વાલીઓને બોજારૂપ ન બને તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આવા દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિકલાંગ શબ્દને કાઢી નાખી સંવેદના સાથે દિવ્યાંગ શબ્દ વાપરી સન્માન અપાવ્યું છે. રાજ્ય સરકારે આવા દિવ્યાંગ નિરાધારો માટે ૭૩૫ કરોડની જોગવાઇ કરી છે. વર્ષ ૨૦૧૬માં ૨૧૦૦૦ દિવ્યાંગ વ્યક્તિઓને ₹. ૧૪ કરોડ ઉપરની સાધન સહાય આપવામાં આવી હતી. ભારત સરકાર પૂરા દેશમાં આવા દિવ્યાંગો માટે સાધન સહાય માટેની ૭૩૮૦ શિબિરો કરી ₹. ૬૦૫૯/- કરોડનો ખર્ચ કરી દિવ્યાંગોની પડખે છે તેની પ્રતિતિ કરાવી છે. ખેલ મહાકુંભ દ્વારા આવા દિવ્યાંગ ખેલાડીઓ ભાગ લઇ પોતાની શક્તિઓ બહાર લાવે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પો્ત્સાહિત કરે છે. ગત વર્ષે આવા જિલ્લા અને રાજ્યના ૧૦ લાખ જેટલી રકમના ઇનામો દિવ્યાંગ ખેલાડીઓને આપ્યા છે. જિલ્લાની દિવ્યાંગ ખેલાડી કુ. સરોજ ડામોર ટોકિયો ખાતે રમવા જનાર છે. જે જિલ્લા સહિત દેશ માટે ગૌરવની બાબત છે. આ F.M. RADIO 90.8 ઉપર મનોરંજન સહિત અનેક કાર્યક્રમો સવારે ૦૯:૦૦ થી સાંજના ૦૬:૦૦ કલાક સુધી સાંભળી શકાશે. Android (એન્ડ્રોઇડ) અને IOS પર Radio Awaj Dahod પર કલીક કરી એપ્લીકેશન ડાઉનલોડ કરી શકાશે.
આ પ્રસંગે ગ્રામ વિકાસ, ગ્રામગૃહ નિર્માણ તથા પશુપાલન રાજય મંત્રી બચુભાઇ ખાબડે પ્રાસંગોચિત પ્રવચન કરતાં જણાવ્યુ હતુ કે રેડિયોની રેન્જ વિસ્તારમાં આવતા ગામોના લોકો અને નગરના લોકોને આ એફ.એમ. રેડિયો મનોરંજન સાથે વિવિધ જાણકારી માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. દેશના વડાપ્રધાન મન કી બાત કરે છે આ જ માધ્યમથી જ કરે છે. તત્કાલિન મુખ્ય મંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેલે ગુજરાત, દોડે ગુજરાત, વાંચે ગુજરાત જેવા અભિયાનો થકી દિવ્યાંગ ભાઇ – બહેનોની શક્તિઓને બહાર લાવવાનું મંચ પૂરું પાડ્યું છે. દાહોદ બ્લાઇન્ડ વેલફેર સંસ્થાના સંચાલક મંડળ અને ટ્રસ્ટીઓની દિવ્યાંગો માટેની સંવેદના સાથેની કામગીરીને મંત્રીશ્રીએ બિરદાવી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેકટર વિજય ખરાડી (IAS)એ ભવિષ્યની અસરોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંસ્થાના સહયોગથી ખૂબ ઝડપથી અધતન ટેકનોલોજી સાથે એફ.એમ.રેડિયોની શરૂઆત કરવામાં આવી છે. જે જિલ્લા માટે ગૌરવની બાબત ગણાય. જે બદલ જિલ્લા પ્રશાસન વતી કલેક્ટરએ આભાર વ્યક્ત કર્યો હતો. આ રેડિયોના માધ્યમ થકી છેવાડાના વિસ્તારોના લોકોને જાણકારી મળવા સાથે અંધશ્રધ્ધા સહિત અનેક બદીઓને દુર કરી શકાશે. સરકારે દિવ્યાંગ વ્યક્તિઓને સમાજમાં સ્થાન અપાવવા કરેલા પ્રયાસોની જાણકારી આપી હતી. સંસ્થા આવા દિવ્યાંગ બાળકો, વિધાર્થીઓ, ખેલાડીઓને સંવેદના સાથે પ્રોત્સાહિત કરવા આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી આર.કે.પટેલે જણાવ્યુ હતુ કે સરકારના અથાક પ્રયત્નોથી દાહોદને રેડિયોની સુવિધા મળી છે. જેના થકી કાર્યક્રમો અને યોજનાઓનો વાર્તાલાપ ગામડાના અને શહેરના લોકો સુધી પહોંચાડી શકાશે
આ પ્રસંગે MJF ડિસ્ટ્રીકટ ગર્વનર, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ 3232 F1 લા.સુનિલ પટેલે લાયન્સની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની વિસ્તૃત સમજ આપતાં સંસ્થા આંખોનું દવાખાનું શરૂ કરે તો લાયન્સ તે માટે આર્થિક રીતે સહયોગી બની શકે તેના થકી આ વિસ્તારના ગરીબ અને દિવ્યાંગ લોકોને સેવા પૂરી પાડી શકાય.
દિવ્યાંગો માટેની ૧૫૦૦ જેટલા બાળકોએ વિવિધ સ્પર્ધાઓ પૈકી ચેસ, ફુટબોલ, ટેબલ ટેનિસ, સાયકલિંગ, વોલીબોલ, લોંગ જંપ, દોડ વગેરેમાં ભાગ લીધો હતો.
અગાઉના વર્ષોમાં વિવિધ સ્પર્ધાઓમાં જિલ્લા, રાજ્ય, રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં વિજેતા થયેલા દિવ્યાંગ ખેલાડીઓનું મંત્રીશ્રી મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દાહોદ, બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલના પ્રજ્ઞાચક્ષુ મંત્રી યુસુફી કાપડીયાએ પ્રાસંગોચિત પ્રવચન કરતાં સંસ્થાની માહિતી પૂરી પાડી હતી. જ્યારે સ્વાગત પ્રવચન દાહોદ, બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલના પ્રજ્ઞાચક્ષુ પ્રમખશ્રી પ્રફુલ્લભાઇ વ્યાસે, આભાર વિધિ પ્રજ્ઞાચક્ષુ ઉપપ્રમુખ ભાસ્કરભાઇ મહેતાએ કરી હતી.
આ પ્રસંગે શ્રીમતી મંજુલાબેન નગેન્દ્રનાથ નાગર દ્વારા ભોજન શાળા માટે આપેલ ₹.૧૧,૦૦,૦૦૦/-ના ખર્ચે તૈયાર થયેલ ભોજન શાળાની તક્તીનું કેન્દ્રીય રાજ્ય મંત્રી ભાભોરના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમના ડિરેક્ટર સુધીરભાઇ લાલપુરવાલા, જિલ્લા રમત-ગમત અધિકારી વિરલ ચૌધરી, રાષ્ટ્રીય અંધજન મંડળના પ્રમુખ ર્ડા. નગેન્દ્રનાથ નાગર, ટ્રસ્ટી વી.એમ.પરમાર, સમાજીક કાર્યકર સર્વે, નરેન્દ્ર સોની, કરણસિંહ ડામોર, મહિલા મોર્ચાના અગ્રણી શ્રીમતી વિણાબેન પલાસ, સહિત સંસ્થાના ટ્રસ્ટીઓ, જિલ્લા તાલુકાના અધિકારીઓ/પદાધિકારીઓ, નગરજનો, સંસ્થાના કર્મચારીગણ, દિવ્યાંગ બાળકો – ખેલાડીઓ તેમના વાલીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.