શિક્ષકોને સેવાનિવૃત્તિના મળવાપાત્ર તમામ લાભોના પ્રમાણપત્રો અપાયા.
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદનાં એન.ઇ. જીરૂવાલા શાળા ખાતે ગત તા. ૩૧ મેના રોજ નિવૃત થયેલા ૫૧ શિક્ષકોનો સન્માન સમારોહ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા યોજાયો હતો. સમારોહમાં દાહોદ જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવી ગત તા. ૩૧ મે ના રોજ નિવૃત થયેલા શિક્ષકોને મળવાપાત્ર લાભોના તમામ પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. તેમજ તેમનું વિદાય બહુમાન કરાયું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલાએ જણાવ્યું હતું કે શિક્ષણએ વિકાસ માટે પાયાની જરૂરિયાત છે. રાજ્ય સરકાર છેવાડાના દરેક વિદ્યાર્થીઓ સુધી ઉત્તમ શિક્ષણ પહોંચાડવા માટે કટિબદ્ધ છે. જિલ્લામાં હવે મેડીકલ એન્જિનિયરિંગ સહિતના તમામ શિક્ષણ માટે વિદ્યાર્થીઓને બહાર જવાની જરૂર રહીનથી. દાહોદ જિલ્લામાં ઉચ્ચ શિક્ષણ માટેની તમામ સવલતો ઉપલબ્ધ કરવામાં આવી છે.
આ પ્રસંગે શિક્ષણ સમિતિના ચેરમેન પ્રફુલભાઈ ડામોરે જણાવ્યું કે શિક્ષકો પાસે વિદ્યાર્થીના કારકિર્દી ઘડતર તેમજ જીવન ઘડતરની મહત્વની જવાબદારી હોય છે. ઉત્તમ શિક્ષણ થકી આપણે ઉત્તમ વ્યક્તિઓનું નિર્માણ કરી શકીશું.
અગ્રણી શંકરભાઈ અમલિયારે જણાવ્યું કે જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ વિદ્યાર્થીના કારકિર્દી ઘડતર સાથે ચારિત્ર્યનું નિર્માણ કરવાનું છે. જ્યારે જિલ્લા શિક્ષણાધિકારી મયુરભાઈ પારેખે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
આ વેળાએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ અને પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો તેમજ શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો અને, વય નિવૃત થયેલા શિક્ષક મિત્રો તેમના પરિવાર સહિત ઉપસ્થિત રહ્યા હતા.