આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતી ભાજપની સરકાર સતત આદિવાસી સમાજ સાથે અન્યાય કરી રહી હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા દાહોદ જિલ્લાના ફતેપુરા ખાતે આજે તા.૧૯/૦૨/૨૦૨૨ ને શનિવારના રોજ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ફતેપુરા વિધાનસભાની સીટ પરથી આદિવાસી અનામત સીટ પર બે ટર્મથી ચૂંટાયેલ અને હાલમાં વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા સામે આદિવાસી સમાજ સાથે થયેલ અન્યાય બાબતે ચૂપ રહેવાના આક્ષેપ કર્યા હતાં.
મળેલ માહિતી અનુસાર ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન છે. ત્યારે આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતી ભાજપની સરકાર સતત આદિવાસી સમાજ સાથે અન્યાય કરી રહી છે. બીજી બાજુ બોગસ આદિવાસી પ્રમાણપત્રો બાબતે સમગ્ર ગુજરાતમાં રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે. 73AA ના કાયદાથી આદિવાસી વિસ્તારોની જમીન સુરક્ષિત છે. ભાજપની સરકાર આ કાયદાને હળવી કરવાની હિલચાલ કરી રહી છે. રિવરલિંક પ્રોજેકટ થી આદિવાસી વિસ્થાપન થશે. આજ રોજ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા બજારમાં આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લા પ્રભારી રમસુભાઈ હઠીલાના નેતૃત્વમાં AAP ફતેપુરા પ્રમુખ ધનજીભાઈ બામણિયા, AAP ફતેપુરા વિધાનસભા પ્રભારી અર્જુનભાઈ માલિવાડ, AAP ફતેપુરા પ્રમુખ યોગેશભાઈ ડીંડોર તથા AAP ગુજરાત પ્રદેશ સંગઠનમંત્રી જયેશભાઈ સંગાડાની ઉપસ્થિતિમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ. જેમાં AAP ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી જયેશભાઈ સંગાડાએ જણાવ્યું કે ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારા બે ટર્મ થી આદિવાસી અનામત સીટથી ધારાસભ્ય છે, અને હાલમાં ગુજરાત વિધાનસભનાં દંડક પણ છે. છતાં આદિવાસીઓ સાથે થયેલ અન્યાય બાબતે ચૂપ છે. જે બાબતે આવનાર સમયમાં આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે.