દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં BSNL નું નેટવર્ક અને ઇન્ટરનેટ સેવા ન મળવાથી દરેક ઓફિસોનું કામકાજ હાલ ઠપ થઈ ગયેલ હોવાથી અંધેરી નગરી ને ગંડુ રાજાનો વહીવટ સમાન થઈ ગયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં BSNL નેટવર્કના નામે ધતિંગ વેડા જણાઈ રહ્યા છે. રજૂઆત કરવાથી બે દિવસ નેટવર્ક આવે છે અને ફરી બંધ થઈ જાય છે અને જ્યારે ચાલુ થાય ત્યારે બરાબર કનેક્ટિવિટી આવતી નથી.
BSNL ના કર્મચારીઓ જવાબો પણ ઉડાવ આપે છે. બીજી કંપનીના નેટવર્ક કાયમ માટે ચાલે છે, તો આમાં કેમ નહીં ? તેના પાછળનું રહસ્ય શુ હોઈ શકે ? કોઈ બીજી કંપની જોડે BSNL ના કર્મચારીઓની કોઈ સાંઠગાંઠ હોય તેવું જણાઈ રહ્યું છે. બીજી બાજુ BSNL કંપની ખોટી ખોટી જાહેરાતો કરતી હોય છે કે અમારું નેટવર્ક જેવું કોઈ નહિ, આવા ખોટાં બણગાં મારવા કરતાં નેટવર્કમાં સુધારો થાય તે જરૂરી છે. આના પાછળ મરો એક આમ નાગરિકનો જ થાય છે. જે સવાર થી પોતાના કામ અર્થે સરકારી ઓફિસો કે બેંકોમાં આવે છે અને ઇન્ટરનેટ ની કનેક્ટિવિટી ના હોવાને કારણે ધરમના ધક્કા ખાઇ પાછા વિલા મોઢે ઘરે પરત જાય છે. આ બાબતે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા એક ખાસ તપાસ થવી જોઈએ અને ગુનેગારોની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે.