PRAVIN KALAL – FATEPURA
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ગ્રામ પંચાયતમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું. આ ગ્રામ સભામાં સરપંચ, તલાટી, તાલુકા શાળા આચાર્ય, આંગણવાડી વર્કર અને ગ્રામજનો હાજર રહ્યા હતા. ગ્રામસભામાં ગેરહાજર રહેતા અધિકારીનો પગાર કાપવો તેવી માંગ ગામલોકોએ કરી હતી. ભૂગર્ભ ગટર કાયમી ચોક અપ થઇ જતા બહારના પાણીના નિકાલ માટે ખુલ્લી ગટર બનાવવી, માર્કેટ યાર્ડમાં વેપારીઓને શોચાલય તેમજ સાફ-સફાઈ અને બેસવાની અગવડતા વિશે, ગામમાં અસહ્ય ગંદકીની સાફસફાઈ કાયમી થાય તે જવાબદારી વોર્ડના સભ્યોને સોંપી દંડની જોગવાઈ કરવી, ગામમાં ઘરદીઠ લીલા અને સુકા કચરા માટેની કચરાપેટી ની જોગવાઈ કરવી, ઝાલોદ રોડ ચાર રસ્તા ઉપર કાયમી બાઈક સવાર અને વાહનચાલકોને પડતી મુશ્કેલી માટે નાનું નાળુ મૂકી મુશ્કેલી દૂર કરવી, ગામમાં ટ્રાફિક બાબતે દબાણ દૂર કરવા અથવા વન-વે કરાવવા જેવી ચર્ચાઓ કરવામાં આવી. 14માં નાણાપંચના રૂપિયા માટે સરકારના નિયમ મુજબ કામગીરી કરવી અને પાણીનો ટાંકો બનાવવો, ગામમાં બિલાડીના ટોપની જેમ નોનવેજની દુકાનો ખૂલી ગઇ છે તે બાબતે પગલા લઈ ગંદકી અટકાવી, આંગણવાડીની જગ્યા બજારમાં ફળવાય તેવી માંગ કરી, રેન-બસેરામા શાક માર્કેટની દુકાનો બનાવવી તેનાથી પંચાયતમાં આવક પણ થશે અને શાકભાજી વાળા રોડ ઉપર બેસતા હશે તે અટકશે. આમ ગ્રામસભામાં મુદ્દાઓને લઇ થોડું જોર પકડાયું હતું. ગ્રામસભામાં મુદ્દાઓ બાબતે પણ પ્રશ્ન કરવામાં આવ્યા હતા કે તે મુજબ કામગીરી કરવામાં આવતી નથી તે પણ ચર્ચાઓ થઈ હતી.