THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન આંકોલિયાની પ્રેરક ઉપસ્થિતિમાં લીમખેડાની પ્રગતિ હાઇસ્કૂલમાં યોજાયેલી જાગૃતિ શિબિરમાં ૧૩૫૦ જેટલી કિશોરીઓ સ્વમાનરક્ષાની પાઠ શીખી હતી. કોઇ પણ સમયે આવી પડેલી વિપરિત સ્થિતિનો સામનો કેવી રીતે કરવો તેનું જ્ઞાન આ કિશોરીઓને આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આયોગના અધ્યક્ષા શ્રીમતી આંકોલિયાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી મહિલાઓ ઉત્થાન માટે સતત ચિંતિત કરે છે. એટલે જ વિવિધ પ્રકારની સેવાઓ અને યોજનાઓ મહિલાઓને માટે બનાવવા માં આવી છે. મહિલાઓને યોગ્ય આર્થિક વાતાવરણ મળી રહે અને પગભર બને તે માટેની યોજનાઓ સારી રીતે અમલી થઇ રહી છે.
તેમણે ઉમેર્યું કે, ગુજરાતના તમામ તાલુકાઓમાં નારી અદાલતો શરૂ કરવામાં આવી છે. તેમાં મહિલાઓને લગતા પ્રશ્નોનો ત્વરિત અને સરળતાથી નિકાલ કરવામાં આવે છે. સચિવાલયમાં કામ કરતી કર્મચારીથી માંડીને કારખાનામાં કામ કરતી શ્રમિક મહિલા સુધીના તમામ સ્તરની મહિલાઓના ઉત્થાન માટે મહિલા આયોગ કામ કરે છે.
શ્રીમતી આંકોલિયાએ ઉમેર્યું કે, ૧૮૧ અભયમ્ હેલ્પ લાઇનના સહારે ગુજરાતની હજારો મહિલાઓ કપરા સંજોગોમાંથી બહાર આવી છે. પોલીસ પણ અભયમ્ માટે સક્રીય ભૂમિકા અદા કરે છે. તેમણે કિશોરીઓ જાતીય સતામણીની બાબતોથી કેવી રીતે સુરક્ષિત રહેવું ? ગૂડ ટચ, બેડ ટચ વિશેની પણ ખૂબજ સરળતાથી કિશોરીઓને સમજ આપી હતી. આ ઉપરાંત, તાલુકા દીઠ બે શિક્ષકોને તાલીમ આપી તેના દ્વારા તમામ શાળાઓમાં કેમ્પ કરવાની મહિલા આયોગના આયોજનની જાણકારી પણ તેમણે આપી હતી.
દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ કહ્યું કે, દીકરીઓની સુરક્ષા માટે સરકારી તંત્ર સતત કાર્યરત છે. મહિલાઓ માત્ર સશક્ત અહી. પણ પગભર બને એ પણ જરૂરી છે. તે માટે આત્મગૌરવ સાથે અભ્યાસ કરી ઉચ્ચ કારકીર્દિ બનાવવા તેમણે કિશોરીઓને શીખ આપી હતી. આ શિબિરમાં કિશોરીઓને તજજ્ઞો દ્વારા આત્મસુરક્ષાના વિવિધ કરતબો શીખવવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં શાળાની બાળાઓએ પ્રાર્થના ગીતની રજૂઆત કરી હતી.
આ અવસરે જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર, Dy.S.P. કાનન દેસાઇ, અધિક DGP પી. બી. ગોંદિયા, આયોગના સભ્ય સચિવ શ્રીમતી વિણાબેન, પ્રાંત અધિકારી બી. કે. હડિયલ, જિલ્લા શિક્ષણાધિકારી પ્રજાપતિ, આચાર્યા શ્રીમતી કે. બી. ગોંદિયા ઉપસ્થિત રહ્યા હતા.