- લીમખેડા તાલુકાના ઢઢેલા ખાતે યોજાનાર “સેવા સેતુ કાર્યક્રમ” ના આયોજન અંગેની બેઠક યોજાઇ.
ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો દાહોદ જિલ્લાનો તા. ૨૪મી ઓગષ્ટ, ૨૦૧૮નો સંભવિત પ્રવાસ કાર્યક્રમ આ મુજબ રહેશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તા.૨૪/૮/૨૦૧૮ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે લીમખેડા તાલુકાના ઢઢેલા સાર્વજનિક હાઇસ્કુલ ખાતે યોજાનાર “સેવા સેતુ કાર્યક્રમ” માં ઉપસ્થિત રહી રાજ્યના તમામ જિલ્લાઓમાં યોજાનાર ચોથા તબક્કાના સેવા સેતુ કાર્યક્મનો પ્રારંભ કરાવશે. મુખ્યમંત્રીશ્રીના સંભવિત આ કાર્યક્રમના આયોજન અંગેની બેઠક જિલ્લા કલેકટર વિજય ખરાડીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન સરદાર સભાખંડ ખાતે યોજાઇ હતી.
લીમખેડા તાલુકાના ઢઢેલા ખાતે યોજાનાર “સેવા સેતુ કાર્યક્મ” માં ચૈડીયા, વિસલંગા, ઘુટીયા, ડાભડા, ખીરખાઇ, ઢઢેલા, પોલીસીમળ, ઉસરા, મંગલમહુડી, વલુંડી અને ગોરીયા એમ ૧૧ ગામોનો સમાવેશ થાય છે. આ બેઠકમાં જિલ્લા કલેકટર વિજય ખરાડીએ જણાવ્યું હતું કે “સેવા સેતુ કાર્યક્મ” ના સંબંધિત અમલીકરણ અધિકારીઓએ પોતાને કરવાની થતી કામગીરીનું જરૂરી આયોજન કરી દેવાનું રહેશે. તમામ કાર્યક્રમો માં સંબંધિત અધિકારીઓએ યોજાનાર કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા ખાસ સૂચના આપી હતી. આ કાર્યક્મનો લાભ લાભાર્થી ઓ અચૂક લે તે માટે મૂળભૂત હેતુ – સંદેશાનો બહોળો પ્રચાર – પ્રસાર સમાવિષ્ટ ગામોમાં જઇ કરવાનો રહેશે. જે તે યોજના નું સાહિત્ય લોકો સુધી પહોંચતું કરવું. જે તે યોજના કે કાર્યક્મ ના અરજીપત્રકો પૂરતા જથ્થામાં રાખવા. સ્થળ પર અરજદાર પાસેથી અરજી લઇ તેની ચકાસણી કરી સ્થળ ઉપર જ અરજીનો નિકાલ કરવો. જો કોઇ નિતિવિષયક બાબત હોય તો પણ તેનો ૧૫ દિવસમાં યોગ્ય નિકાલ કરવાનો રહેશે. કાર્યક્રમ સ્થળે આરોગ્ય શિબિર, પશુ- આરોગ્ય શિબિર, બેંકોના વિવિધ ખાતાઓ ખોલવા માટે તથા લોન- સહાયની જાણકારી આપતો સ્ટોલનું આયોજન કરવા સંબંધિત અધિકારીઓને જણાવ્યુ હતુ. ખાસ ઓનલાઇન અરજીઓના નિકાલ માટે અદ્યતન કોમ્પ્યુટર વ્યવસ્થા રાખવા કલેક્ટર વિજય ખરાડીએ ખાસ સૂચન કર્યુ હતુ.
બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયશરે પાર્કિંગ વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થા અંગે સૂચનો કર્યા હતા. બેઠકમાં લીમખેડા પ્રાંત અધિકારી ડી.જે.વસાવા સહિત જિલ્લા-તાલુકાના અમલીકરણ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં હેલીપેડ, મંડપ વ્યવસ્થા, પાર્કીંગ વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, પ્રાથમિક આરોગ્યની સુવિધા, સ્ત્રી- પરુષ ટોયલેટની સુવિધા, વિજ વ્યવસ્થા વગેરે મુદાઓની ચર્ચા-સમીક્ષા કરવામાં આવી હતી.