પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ થયા પછી થાય છે…. ચાલે છે…. ની નીતિ રાખતું તંત્ર
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં છેલ્લા આઠ આઠ દિવસથી નળ યોજના હોવા છતાં પણ લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી. પાઇપ લાઈનમાં ભંગાણ થયા બાદ વૈકલ્પિક વ્યવસ્થાનો પણ અભાવ. જેથી નગરજનોમાં આઠ આઠ દિવસથી પીવાનું પાણી ન મળતા ઉનાળાના આવા કપરા સમયે લોકોમાં પંચાયત તંત્ર સામે ભારે રોષ પ્રસરી ગયો છે. પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ થવાના કારણે નળ આપવામાં આવતા નથી અને તંત્ર દ્વારા પાઇપ રીપેરીંગનું કામ પણ હાથ ધરવામાં આવ્યું નથી. જેથી ક્યારે પાણી મળશે તેની ખબર નથી હોતી. નગરજનોએ ટેન્કર દ્વારા પૈસા ખર્ચીને પાણી ખરીદવાનો વારો આવ્યો છે. વર્તમાન સમયે બબ્બે કુવા હોવા છતાં પણ લોકોને પાણી મળતું નથી. સંજેલી પુષ્પસાગર તળાવ પાસે આવેલ કુવાના સફાઈ કામની પણ ખૂબ જરૂરિયાત ઊભી થઇ છે. હાલમાં સંજેલી તળાવની આસપાસની ગંદકી પણ માથાનો દુખાવો બની ગઈ છે. ત્યારે સંજેલી પંચાયત તરફથી કોઈ પણ પ્રકારની દરકાર લેવામાં આવી નથી.
સંજેલી તાલુકામાં આવેલા સંજેલી નગરમાં પ્રથમ તસ્વીર સંજેલી પુષ્પસાગર તળાવ પાસે આવેલ મીઠા પાણીના કુવાની છે. જેની હાલમાં જાણે કે દુર્દશા બેઠી છે. વર્તમાન સમયે પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ થતા આજે આઠ આઠ દિવસથી લોકોને પીવાના પાણી માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે આવા કપરા સમયે પણ કુવા ઉપર મહીલાઓને પીવાનું પાણી ભરી શકાય તેવી કોઈ વ્યવસ્થા પણ નથી. જયારે તદ્દન ભંગાર હાલતમાં સંજેલી પુષ્પ સાગર તળાવ પાસેના પ્રસ્તુત તસ્વીર બધુજ કહી જાય છે.
જયારે બીજી તસ્વીર સંજેલી સંતરામપૂર રોડ ઉપર આવેલ પલવાળા કુવાની છે જે વર્તમાન સમયે પ્રજાની મશ્કેરી રૂપ બની ગયો છે. હવે વિચાર કરો અહીંયા બહેનો પાણી કેવી રીતે ભરી શકે છે કોઈ સુવિધા ? આ બધી બાબતોનું સંજેલી પંચાયતના સરપંચ અને તલાટી ધુતરાષ્ટ્રની માફક આંખો બંધ કરીને જાણે કઈ બન્યું જ ન હોય તેમ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતાં નથી તેનો રોષ સંજેલીની પ્રજાજનોમાં જોવા મળી રહ્યો છે. શું તંત્ર આ બાબતે કોઈ કાર્યવાહી કરશે ખરું ?