FARUK PATEL –– SANJELI
- સંજેલી તાલુકામાં અઢારમી સદીમાં જીવતા ગામડાઓ
આજની 21મી સદીના હાઇફાઇ યુગમાં દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના અમુક ગામડાઓ આજે પણ જાણે અઢારમી સદીમાં જીવતા હોય તેમ કરંબા, ખરવાણી થઇ સૂડિયાને જોડતો માર્ગ આઝાદી પછી આજ દિન સુધી નહીં બનતા ખેતરોમાંથી પાકતું ઘાન લાવવા લઇ જવા તેમજ વાર તહેવારે લગ્નમાં જવા આવવા તેમજ ચીજવસ્તુઓની ખરીદી કરવા આવવા જવા માટે ભારે હાલાકી હોવાને કારણે ગામજનો દ્વારા વારંવાર ગ્રામસભામાં, તાલુકા પંચાયતમાં રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા આ માર્ગ ન બનાવતા લગભગ 1000 જેટલા ધરોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. હાલ આ માર્ગ પર ખેતરમાં ચાલનારું ટ્રેક્ટર પણ ચાલી શકતું નથી ત્યારે તંત્ર દ્વારા આ માર્ગ તાત્કાલિક બનાવવામાં તેવી સ્થાનિક લોકોની માંગ છે.
સંજેલી તાલુકાના અનેક એવા ગ્રામ્ય વિસ્તારના રોડ છે જે આઝાદી બાદ આજ દિન સુધી રોડ બન્યા જ નથી. માત્ર ગાડા માર્ગ જ રહ્યા છે. સંજેલી તાલુકામા મોટાભાગના જંગલો અને ડુંગર વિસ્તાર આવેલા છે. જે આદિવાસી બાહુલ્ય ધરાવતો તાલુકો છે ત્યારે સંજેલી કરંબા મુખ્ય માર્ગથી ખરવાણી થઇ સીંગવડ તાલુકાના છેવાડા ગામ સુડીયા ગામને જોડતો 5 કિમી સુધીનો રસ્તો આઝાદી બાદ આજદિન સુધી બન્યો જ નથી ત્યારે ઘણી વખત વરસાદને કારણે રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે ત્યારે તાલુકા પંચાયત સભ્યના ઘર આગળ જ આંગણવાડી કેન્દ્ર પાસેનો પલ તુટી પડતા હાલ બાઇક ચાલકોને પણ ભારે હાલાકી વેઠવી પડી રહી છે. લગબગ આ 5 કિમીનો ગાડા માર્ગ જો પાકો રસ્તો બનાવવામાં આવે તો બંને તાલુકાના ગામડાના 1000 જેટલા ઘરોના લોકોને ગાડા માર્ગથી છુટકારો મળશે ત્યારે તંત્ર દ્વારા આ રોડ બનાવવાની બે વર્ષ અગાઉ મંજૂરી મળી ગયા અને ટી એસ બની ગયા બાદ પણ રોડ બનાવવાનું શરૂ ન કરાતા હાલ લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
સંજેલી તા.પં.સભ્યના પતિ ધનાભાઈ માવી > > સંજેલી કરંબા મુખ્ય માર્ગથી સૂડીયા ગામને જોડતો માર્ગ ડામર રસ્તો બનાવવા માટે મંજુર કરવામાં આવ્યો છે. અગાઉ પણ આ રસ્તો બનાવવા માટે મંજુર કરવામાં આવ્યો હતો, પરંતુ અમારા આદિવાસીઓએ રોડ તેઓ જમીન રોડ ન બનાવો તો ચાલશે તેવું કહ્યું હતું, પરંતુ હાલ ઘરે ઘરે નાના મોટા વાહનો થઈ જવાથી રોડ બનાવ જરૂરી છે ત્યારે ડામર રોડ બનાવવા માટેની મંજૂરી મંજૂરી મળી ગઈ છે અને દિવાળી બાદ ટેન્ડર પણ મંજૂર થઈ જશે.
માજી ડેપ્યુટી સરપંચ મિનેશ ગરાસિયા > > જિલ્લા આયોજન 15 ટકા લોકભાગીદારીથી વર્ષ 2016 – 17 રસ્તો બનાવવા માટેની મંજૂરી મળ્યા બાદ તેનો ટીએસ પણ મંજૂર થઈ ગયો હતો. વારંવાર ગ્રામસભામાં તેમજ તાલુકા પંચાયતમાં રજૂઆત કરવા છતાં પણ આ રસ્તો બનાવવામાં આવતો નથી. આ વિસ્તારમાં બીજેપીના તાલુકા પંચાયતના સભ્ય છે તેમજ ગામના જ બીજેપી તાલુકા પંચાયતના પ્રમુખ પણ છે. તેમ છતાં પણ કામ થતું નથી જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
આ માર્ગ પર માજી સરપંચ અને તાલુકા પંચાયત સભ્યનું ઘર તેમજ આંગણવાડી કેન્દ્ર અને પ્રાથમિક શાળા પણ આવેલી છે. હાલ આ માર્ગ ગાડા માર્ગ છે. 20 વર્ષથી પંચાયત અને તાલુકા પંચાયતમાં સત્તા મેળવવા છતાં પણ પોતાના વિસ્તાર ના લોકોને પડતી હાલાકી દૂર કરી શક્યા નથી. તાલુકા સભ્ય ના ઘર પાસે જ આવેલી આંગણવાડી કેન્દ્ર આગળ પણ રસ્તો તૂટી ગયો છે, તેમ છતાં પણ તેને રિપેર કરવામાં આવતો નથી. તેમજ રસ્તો બનાવવામાં આવતો નથી જેના કારણે સ્થાનિક લોકો ભારે હાલાકી વેઠી રહ્યા છે.