દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલી ખાતે ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દાહોદ જિલ્લાના પદાધિકારીઓ તેમજ તાલુકા-નગર સંયોજકોની જિલ્લા બેઠક યોજાઇ હતી. આ મિટિંગમાં જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રભાઈ સોની, ગુ.રા. યુવા બોર્ડના ઝોન સંયોજક મનોજભાઈ કીકલાવાલા, આયુર્વેદ ડો.અલ્કેશભાઈ ગેલોત, વાલી યજ્ઞેશભાઇ પંચાલ, સહવાલી નિમેષભાઈ, પંકજભાઈની ઉપસ્થિતિમાં આ બેઠક યોજાઇ હતી. જિલ્લા મહામંત્રી નરેન્દ્રભાઈ સોનીએ ગુ.રા. યુવા બોર્ડ દ્વારા દાહોદ જિલ્લાના ગ્રામ્યસ્તર સુધી કોરોનાની મહામારીમાં કરેલ કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે યુવા બોર્ડ દાહોદનું કાર્ય ગ્રામ્યસ્તર સુધી પહોંચ્યું છે, ત્યારે સાચા અર્થમાં જનજન સુધી સરકારી યોજનાઓ પહોંચાડવા તથા કોરોના સામે લોક જાગૃતિ લાવવામાં નિર્ણાયક સાબિત થશે. વધુમાં નરેન્દ્રભાઈ સોની દ્વારા રાજય યુવા બોર્ડના સંયોજકો તેમજ કાર્યકરોએ કરેલ કામગીરીને બિરદાવવામાં આવી હતી.
આ મિટિંગમાં યુવા બોર્ડ દ્વારા કોરોનાની મહામારીમાં થયેલ કાર્યક્રમો, સેવાઓનો અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો હતો. તેમજ આગામી દિવસોમાં ગ્રામ્ય સ્તર સુધી આયુર્વેદ ઉકાળાનું વિતરણ પહોંચે તે માટે ડો.અલ્કેશભાઈ ગેલોતએ માહિતી તેમજ દવાઓ વિશે સમજ આપી હતી. લોકો માસ્ક, સેનેટાઈઝર નો વધુમાં વધુ ઉપયોગ કરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે તે માટે જનજાગૃતિ લાવવા માટે પણ આ મિટિંગમાં યોજના બનાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા સંયોજક સુનિલભાઈએ કર્યું હતું.