દાહોદ જિલ્લાના સંજેલી ગામમાં છેલ્લા એક સપ્તાહમાં ચાર કોરોના પોઝીટીવ કેસ નોંધાતાં નગરજનોમાં ફફડાટ ફેલાયો હતો. કોરોના મહામારી દિન પ્રતિ દિન સંજેલી તાલુકામાં વકરી રહી છે ત્યારે દાહોદ જિલ્લામાં પણ કોરોનાનો કહેર યથાવત છે. સંજેલીમાં આજે એક સાથે બે કેસ નોંધાતા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું ત્યારે ગ્રામજનોમાં પણ ફફડાટ ફેલાઇ ગયો હતો. સંજેલી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ કિરણભાઇ રાવત તથા પ્રજાપતિ ફળિયામાં રહેતા મણીલાલ કોહ્યાભાઇ પ્રજાપતિ એમ એક સાથે બે કેસ નોંધાતા તાત્કાલિક ધોરણે બંને કોરોના પોઝિટિવ આવેલ વ્યક્તિઓને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા એમ્બ્યુલન્સની મદદથી દાહોદની ઝાયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સંજેલીના સરપંચ પોતે જ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગની ટીમ સર્વેની કામગીરીમાં જોતરાયા હતા.
સંજેલી ખાતે આવેલા બંને પોઝિટિવ કેસના દર્દીઓએ સંજેલી ખાતે સંતરામપુર રોડ પર આવેલી સંજીવની હોસ્પિટલ તેમજ એક પ્રખ્યાત લેબોરેટરી ખાતે પોતાના ટેસ્ટ કરી સારવાર મેળવતા આ હોસ્પિટલ અને લેબોરેટરીના સ્ટાફને પણ ક્વોરાન્ટાઇન કરવા માટેની તજવીજ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી.