
સંજેલી તાલુકામાં 66 KV સબસ્ટેશનની ખુબજ લાંબા સમયની માંગણી બાદ મંજૂર તો થયું પરંતુ હજુ સંપૂર્ણ રીતે કાર્યરત ન થતા લોકો લો વોલ્ટેજનો તથા વીજળીના ધાંધિયાનો ત્રાસ ભોગવવો પડે છે. વીજ કચેરી નથી. સંજેલી તાલુકાના ગસળી ખાતે નવીન સબ સ્ટેશનની કામગીરી હાલ ચાલુ છે. કોન્ટ્રાક્ટ પ્રમાણે માર્ચ મહિનામાં કામ પૂર્ણ કરવાનું હોય છે. પણ લોકડાઉનના કારણે કામ પૂર્ણ થવામાં વિલંબ આવેલ છે .જેના કારણે સંજેલી તાલુકાની જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સંજેલી તાલુકામાં વીજ કચેરી ન હોવાના કારણે તાલુકાની ૫૭ ગામની જનતાને ઝાલોદ સુધી લંબાવુ પડે છે. જેથી કરીને સંજેલી ખાતે સત્વરે ઓફિસ ચાલુ કરવામાં આવે તેવી લોકમાંગ છે.
સંજેલી તાલુકાનાં ગામડામાં હાલ આંબલીયા સબ સ્ટેશનમાંથી વીજ પૂરવઠો પૂરો પાડવામાં આવે છે. ત્યારે અમુક વિસ્તારોમાં સતત લો વોલ્ટેજની સમસ્યા સતાવ્યા કરે છે. અને વીજળી પણ વારંવાર જતી રહે છે. જેથી કરીને ગસળી ખાતે આવેલ 66 KV સબસ્ટેશનની જે કામગીરી બાકી છે. તે વહેલામાં વહેલી તકે પૂર્ણ કરી ચોમાસા પૂર્વે સબ સ્ટેશન ચાલુ કરવામાં આવે અને વીજ કચેરી સંજેલી ખાતે ચાલુ કરવામાં આવે તેમ સમગ્ર તાલુકાની જનતા ઈચ્છી રહી છે.