થાળા (સં.) ખાતે ત્રણ વ્યક્તિઓ ડાયરેકટ વાયરનું લંગર નાખી વીજ ચોરી કરતા હતા, MGVCL ની ટીમ દ્વારા રોકવા જતાં તેમના પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો.
વીજ ચોરી કરતાં વ્યક્તિઓએ બોલાચાલી કરી પથ્થર લઇને મારવાની કોશિશ કરતા કર્મચારીઓએ વાહન મુકી જાન બચાવી ફરાર.
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાનાં થાળા (સં.) ગામે વીજ તાર પર ડાયરેકટ લંગર નાંખી વીજ ચોરી કરતાં રંગે હાથ ઝડપાઇ ગયેલા ચાર લોકોએ MGVCL જુનિયર એન્જિનિયર અને સ્ટાફના કર્મચારીઓ ટીમના હાથમાંથી વાયર ઝૂંટવી હુમલાની કોશિશ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા સ્થળ પર વાહન મૂકી જાન બચાવી ભાગી ગયેલા વીજ કર્મચારીઓએ ત્રણ પુરુષ અને એક મહિલા સહિત ચાર જણા સામે ગુનો દાખલ કરાવતા વીજ ચોરી કરનારા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
સંજેલી તાલુકામાં વીજ ચોરી ઉપર થી સીનાજોરી જેવો ઘાટ સર્જાયો. ૧૧ કે.વી. કદવાલ એજી ફીડરને ક્રોસ થતી એલ.ટી. લાઇનની કામગીરી દરમિયાન થાળા (સં.) ખાતે રામદેવ ફળિયામા વીજ ચોરી કરવા ત્રણ લંગર નાખ્યા હોવાનું જણાય આવતા ઝાલોદ MGVCL ના જૂનિયર એન્જિનિયર ધવલકુમાર ભેરાવતા, મીલનકુમાર શ્રીમાળી, નરેશ બામણીયા, રામસિંગ અમલિયાર કર્મચારીઓએ સ્ટાફ વાયર ઉતારી લઇ પોતાના વાહન તરફ આવી રહ્યા હતા, તે દરમિયાન વીજ ચોરો એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને કેટલાક માણસો દોડી આવી ફરજમાં રૂકાવટ કરી બોલાચાલી કરી ઝઘડો કરી વાયરો પણ ઝૂંટવી લીધા હતા અને એક ઇસમ એકદમ ઉશ્કેરાઇ જઇ પથ્થર મારવાની કોશિશ કરતો સ્ટાફને અહીંથી જીવતા જવા દેવાના નથી તેવી ધમકીઓ આપી વાહનની ફરતે ઊભા થઈ જતાં ગભરાયેલા વીજ કર્મચારીઓ ડરી જતાં પોતાના જીવ બચાવવા માટે વાહન લઇ આવેલા વાહન નંબર જીજે 20 ટીસી 0050 અને જીજે 20 વી 9298 મૂકી જાન બચાવી પોલીસ મથકે પહોંચી જતાં પોલીસની મદદથી વાહનોનો કબજો મેળવી પરત ઝાલોદ ખાતે જતા રહ્યા હતા. જે બાદ તમામ હકીકતનો વીડિયો કરેલ હોવાથી વીડિયોના આધારે ઉપલા અધિકારીને જાણ કરી બીજા દિવસે સંજેલી પોલીસ મથકે આવી (૧) આસારામ સુમસીંગભાઇ બેડ (૨) વનિતાબેન દિનેશભાઈ બેડ (૩) દિનેશભાઇ ગવજીભાઇ બેડ અને (૪) બચુભાઇ ગવજીભાઇ બેડ રહે. થાળા (સં.) ગામે રહેતા આ ચાર વિરુદ્ધ સરકારી કામમાં રૂકાવટ કરી હુમલાનો પ્રયાસ કરી તેમજ ધમકી મુજબનો સંજેલી પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવતા સંજેલી પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે સંજેલી તાલુકામાં વીજ ચોરોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.