અંતરિયાળ ગામડાઓના સર્વાંગી વિકાસ માટે આપણી રાજ્ય સરકાર કટીબધ્ધ : મંત્રી રમેશભાઈ કટારા
રાજ્ય કક્ષાના કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર અને પશુપાલન રાજ્યમંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને સંજેલી તાલુકાની ખેડા વર્ગ હિરોલા પ્રા. શાળા, ભામણ પ્રાથમિક શાળા, પ્રતાપપુરા પ્રાથમિક શાળા, થાળા અને સરોરી પ્રાથમિક શાળામાં લાઇબ્રેરી, સીસી રોડ તેમજ સ્લેબ ડ્રેઈન સહિત ૦૬ કરોડ ૭૨ લાખના વિવિધ નવીન કામોનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે રાજ્યમંત્રી રમેશભાઈ કટારાએ કહ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના વિકાસ માટે એક નવી દિશા આપી છે. આજે રાજ્યભરમાં શિક્ષણને વધુ પ્રાધાન્ય આપીને ગુજરાતના છેવાડાના ગામડાઓ સુધી શિક્ષણ માટે નંદઘર થી લઈને અધ્યતન શાળાઓ બનાવવામાં આવી રહી છે. ત્યારે શાળાઓની સાથે-સાથે બાળકોને ઐતિહાસિક, સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક સાથે જ્ઞાનરૂપી પુસ્તકોનો ભંડાર વિદ્યાર્થીઓની સામે રાખવા માટે શાળાઓમાં ગ્રંથાલય બનાવવાનું કામ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજે સંજેલી તાલુકાની વિવિધ શાળાઓમાં ગ્રંથાલયના મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
વધુમાં રાજ્યમંત્રીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહિયારા પ્રયાસો તેમજ દેશના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ એમ ડબલ એન્જિનની સરકારના માધ્યમ દ્વારા અનેકવિધ યોજનાઓ દ્વારા ગુજરાતે જે વણથંભી વિકાસયાત્રા આરંભી છે, તેનાથી ગુજરાત વધુને વધુ સમૃદ્ધ બનશે. દાહોદ જિલ્લામાં પણ ભવિષ્યની જરૂરીયાતોને ધ્યાને લઈને રાજ્ય સરકારે વિકાસ કામો શરૂ કર્યા છે. નાગરિકોને પૂરતી સુવિધા મળી રહે તે માટે આયોજનબદ્ધ વિકાસની દિશામાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં અનેક પગલાંઓ લેવામાં આવી રહ્યા છે.
રાજ્યના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ અને જરૂરિયાતમંદ કુટુંબોને પાયાની સુવિધાઓ પાણી, રસ્તા, શિક્ષણ, આરોગ્ય, આવાસો અને સ્વચ્છતા જેવી અનેક આંતર માળખાકીય સવલતો ગુજરાતના શહેરો અને ગામડા સુધી પહોંચાડવાની વિશેષ કાળજી લેવાઈ રહી છે. સાથે ઉમેર્યું હતું કે, વર્તમાન સરકાર ગામડાઓના સર્વાગી વિકાસ માટે કટીબધ્ધ છે. ગ્રામ્ય વિસ્તારમાં વિકાસની ખૂટતી કડી પુર્ણ કરવા માટે રાજ્ય સરકાર હર હંમેશા તત્પર છે, એટલુ જ નહી આજે લોકાંક્ષાઓ પરિપુર્ણ કરવામાં આવી રહી છે.
આ પ્રસંગે અગ્રણી શંકરભાઈ આમલીયાર, તાલુકા પ્રમુખ, જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો, આગેવાનો, વડીલો, અન્ય પદાધિકારીઓ, તાલુકા અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


