દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલીના ચાલી ફલિયામાં અમદાવાદથી આવેલા એક યુવકને ગત તા.૨૩/૦૫/૨૦૨૦ ને શનિવારના રોજ કારોનો પોઝિટિવ આવતાં તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. આ યુવક અમદાવાદ થી સંજેલી પોતાની સાસરીમાં તા.૧૭/૦૫/૨૦૨૦ ના રોજ બાઇક લઇ પોતાની પત્નીને મળવા આવી પહોંચ્યો હતો, ત્યારે આરોગ્ય વિભાગને આ યુવક અમદાવાદ થી આવ્યો હોવાનું જાણ થતાં જ તેને હોમ કોરોનટાઇન કરવામાં આવ્યો હતો. જે બાદ તેના સેમ્પલની ચકાસણી કરતા તેનો રિપોર્ટ શનિવારના રોજ પોઝિટિવ આવતાં આ યુવકને તાત્કાલિક દાહોદ ખાતેની ઝાયડસ હોસ્પિટલમાં ૧૦૮ મારફત રવાના કરવામાં આવ્યો હતો અને આ વિસ્તારમાં પોલીસ દ્વારા તાત્કાલિક પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સંજેલીમાં પ્રથમ કેસ પોઝિટિવ આવતાં સમગ્ર સંજેલી તાલુકામાં હાહાકાર મચી જવા પામ્યો હતો.
વધુમાં અમદાવાદ થી સંજેલી આવેલા મુકેશભાઈ મગનભાઈ શંશેરિયાનો રીપોર્ટ પોઝીટીવ આવતા સરકારી તંત્ર દોડતુ થઈ ગયુ હતુ. શનિવારે રાત્રીના સમયે તેના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તાત્કાલિક દાહોદ ઝાયડ્સ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા અને સંજેલી ખાતે રાત્રીના સમયે તેમજ દિવસ દરમિયાન સમગ્ર ચાલી ફળિયા, પોસ્ટ ઓફિસ રોડને સેનેટાઇઝ કરવામાં આવ્યો હતો તેમજ આ વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન જોહેર કરી પતરાથી સીલ મારી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ દાહોદ અને વડોદરાથી દોડી આવેલા આરોગ્ય અધિકારીઓને સંજેલીના ચાલી ફળિયાના રહીશોએ પોતાની લેખિત રજુઆત કરતા જણાવ્યુ હતું કે આ એક જ પરિવારના કારણે અન્ય ૫૦૦ જેટલા વ્યક્તિઓ હેરાન થઈ રહ્યા છે. ત્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા આ પરિવારને અન્ય સલામત જગ્યાએ ખસેડવાની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
સંજેલી ખાતે ચાલી ફળિયામાં એક પોઝીટીવ કેશ આવતા સંજેલી ગામના મેન બજાર ,તળાવ ફળિયાને પણ કન્ટેઈનમેન્ટ ઝોનમાં સમાવેશ કરી મુખ્ય બજારની બીજી ગલીને પણ આજ રોજ તા.૨૪/૦૫/૨૦૨૦ ને રવિવારના સાંજના સમયે સીલ કરવામાં આવતા સંજેલીના રહીશોમાં ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. “પાડા ના વાંકે પખાલી ને ડામ” જેવી પરિસ્તિથી ઉભી થઇ છે. ચાલી ફળિયા પોસ્ટ ઓફિસ રોડ તેમજ ચાલી ફળિયા નીચવાસ અને મેન બજારની બીજી ગળીથી તળાવ ફળિયા સુધીનાા રસ્તાઓ સીલ કરી દેવામાં આવતા સ્થાનિક રહીશોમાં આક્રોશ ફેલાયો છે. સરકારી વહીવટી તંત્ર હાલમાં આ એક જ પરિવારના કારણે ૫૦૦ જેટલા લોકોને અનેક પ્રકારની મુશ્કેલી ઉભી કરી રહ્યા છે. કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરી આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો તેમજ રોજિંદા પીવાના પાણીના ફરતા ટેન્કરો માટે પણ રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે એક જ પરિવારને ગામ બહાર ખસેડી દેવામાં આવે તો અનેક લોકોની સમસ્યા પણ દૂર થઇ શકે છે. તેવી તંત્ર સામે લોકમાંગ ઉઠવા પામી છે.