THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
લોકડાઉનના કારણે બંધ પડેલા છાત્રાલયો, આશ્રમ શાળાના છાત્રોને એપ્રિલ માસની ભોજન સહાય સીધી ખાતામાં જમા કરાવાઇ
સમગ્ર દાહોદ જિલ્લામાં લોકડાઉનને કારણે બંધ કરવામાં આવેલી આશ્રમ શાળાઓ, સરકારી છાત્રાલયો તથા ગ્રાન્ટ ઇન એઇડ છાત્રાલયોમાં રહીને અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને એપ્રિલ માસની ભોજન સહાય પેટે ₹. 1500/- સહાય આપવાની રાજ્ય સરકારની જાહેરાત બાદ અત્યાર સુધીમાં 5695 છાત્રોને આ લાભ આપી દેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા 5695 છાત્રોને ₹. 84 લાખની સહાય કરી છે.
સમગ્ર દેશમાં સંપૂર્ણપણે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું તે પૂર્વે દાહોદ સહિત ગુજરાતમાં સ્થાનિક કક્ષાએ કોરોનાના વાયરસને રોકવા માટે આંશિક રીતે સંચાર બંધી લાગુ કરવામાં આવી હતી. ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાઓ તત્કાલ પ્રભાવથી બંધ કરવામાં આવી હતી. જેથી વિદ્યાર્થીઓને કોરોનાનો ચેપ લાગે નહીં. દાહોદ જિલ્લામાં આવેલા સરકારી છાત્રાલયો, આશ્રમ શાળાઓ પણ બંધ કરવામાં આવી હતી. તે બંધ કરવાના કારણે છાત્રાલયોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેના એપ્રિલ માસના ભોજન સહાય પેટે ₹. 1500/- આપવાની જાહેરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કરી હતી. જેના કારણે દાહોદ જિલ્લાના 18,727 છાત્રોને લાભ થવાનો છે.
આ માટે અત્યાર સુધી ચૂકવવામાં આવેલી સહાયની વિગતો જોઇએ તો આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત આદર્શ નિવાસી શાળાના 441 છાત્રોને ₹. 6,61,500/-, સરકારી છાત્રાલયોના 909 છાત્રોને ₹. 12,24,000/- અને અનુ દાનિત છાત્રાલયોના 2,387 વિદ્યાર્થીઓને ₹.35,80,500/- ચૂકવી દેવામાં આવ્યા છે. આદિજાતિ વિભાગના આશ્રમ શાળા કચેરી દ્વારા 1,483 છાત્રોને ₹. 22,24,500/- ચૂકવવામાં આવ્યા છે.
નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કચેરી દ્વારા સંચાલિત સરકારી છાત્રાલયના 23 છાત્રોને ₹. 34,500/-, અનુદાનિત છાત્રાલયોના 37 છાત્રોના ₹. 55,500/-, અનુદાનિત આશ્રમ શાળાના 415 છાત્રોને ₹. 6,22,500/- ની સહાય ચૂકવવામાં આવી છે. આ સહાય ધોરણ – 1 થી 9 અને ધોરણ – 11 અને કોલેજના છાત્રોને ચૂકવવામાં આવી હતી. લોકડાઉન લાગુ થયું એ પૂર્વે ધોરણ – 10 અને 12 ના છાત્રોનો અભ્યાસ પૂર્ણ થઇ ગયો હતો. બાકી રહેલા છાત્રોની બેંક ખાતા વિગતો મેળવી સહાયની રકમ જમા કરાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.